ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ અકસ્માતની સંખ્યાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહનો હંકારવાની બાબતો પણ સામે આવી રહી છે, યોગ્ય સ્પીડ કરતા વધુ સ્પીડમાં બાઈક અથવા મોપેડ ચલાવવાનું ભૂત કેટલાક યુવાનોના માથે ચડ્યું હોય તેમ પોલીસ કાર્યવાહી બાદથી ચર્ચાઈ રહ્યું છે. પૂર ઝડપે વાહનો હંકારી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે નબીપુર પોલીસે લાલઆંખ કરી છે.
નબીપુર પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું દરમ્યાન ઝનોર ચોકડીથી હિંગલ્લા ચોકડી તરફ જતા માર્ગ પર પૂર ઝડપે વાહનો હંકારી લાવી તેમજ કેફી પીણું પી વાહન હંકારનાર વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
નબીપુર પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારે વાહન ચેકીંગ અભિયાન હાથધરી પાંચથી વધુ ગુના દાખલ કરી વધુ સ્પીડમાં વાહન હંકારનારા લોકોને કાયદાના પાઠ ભણાવ્યા છે.