ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રાજ રત્ન બંગ્લોઝમાં રહેતા રાકેશભાઈ કુમાર જ્યંતીલાલ પટેલ નાઓ સાથે કેનેડામાં વીજા અને જોબ આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કરી અલગ અલગ પ્રકારે આંગડિયા પેઢી મારફતે ભેજાબાજ ઈસમોએ 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લઈ છેતરપિંડી કરનાર છ ઈસમો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રાકેશકુમાર જયંતિ લાલ પટેલ નાઓ વર્ષ 2015 માં અલજેરીયા ખાતે કંપનીના કામ અર્થે ગયા હતા દરમ્યાન તેઓ કામ પટાવી પરત એરપોર્ટ ઉપર આવ્યા હતા, જે સમયે તેઓને આશિષ પટેલ નામના વ્યક્તિ સાથે ભેટો થયો હતો જે બાદ બંનેએ એક બીજાના કોન્ટેક નંબર શેર કર્યા હતા.
રાકેશ કુમાર પટેલ વર્ષ 2020 માં પોતાના ઘરે હતા દરમ્યાનમાં તેઓના મોબાઈલ ઉપર ગુડ મોર્નિંગનો એક મેસેજ આવ્યો હતો અને સામેથી આશિષ પટેલ હોવાનું જણાવી તેઓ સાથે વાતચીત શરૂ થઈ હતી જે બાદ ભેજાબાજ ઈસમ દ્વારા રાકેશકુમાર પટેલને કેનેડા આવવા માટેની ઓફર કરી હતી, દરમ્યાન આશિષની વાતોમાં આવી ગયેલ રાકેશ કુમારે પણ તેઓની આ ઓફરનો સ્વીકાર કરી પોતે ફેમિલિ સાથે ત્યાં આવવા માંગતા હોવાનું જણાવ્યું હતું.
જે બાદ સતત આશિષ પટેલ નામના વ્યક્તિ એ રાકેશકુમારને પોતાની ચૂંગાલમાં ફસાવી લઈ વીજા ચાર્જ, હોટલ બુકીંગ ચાર્જ, એક્સ્ટ્રા ચાર્જ, વાયા ફ્લાઇટ ચાર્જ સહિતના ચાર્જના નામે આંગડિયા પેઢી મારફતે પાંચ લાખ ચાર લાખ આમ કરી કુલ 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી જે બાદ પોતાની સાથે વિશ્વાશઘાત થયો હોવાની જાણ રાકેશકુમારને થતા તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે મામલા અંગેની જાણ કરતા પોલીસે આશિષ પટેલ નામના વ્યક્તિ સહિત કુલ છ ઈસમો સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.