પૂર્વ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નીલકંઠેશ્વર મંદિર નજીક આજથી વર્ષો પહેલા ભરૂચની જનતાની સુખાકારી માટે તેમજ નર્મદા નદીના કાંઠે હરવા ફરવા માટે નર્મદા પાર્કનું નિર્માણ કરોડોના ખર્ચે કરવામાં આવ્યું હતું, જે બાદ શહેરીજનો વીકેન્ડ અથવા હળવાસની પળોમાં આ પાર્કની મુલાકાત લે છે, શરૂઆતી તબક્કે પાર્કમાં સારી એવી સુવિધાઓના નિર્માણના કારણે લોકોમાં પણ આ પાર્કનું આકર્ષણ ઉભું થયું હતું, જ્યાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો સાથે લોકો ઉમટી પડતા અને માનસિક શાંતિ મેળવી બાળકોને પણ મનોરંજન પૂરું પડી રહે તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
હાલ પાર્કના નિર્માણને વર્ષો વીતી ગયા છે, નર્મદા પાર્કમાં એન્ટ્રી માટે વ્યક્તિ દીઠ 10 રૂપિયાનો ચાર્જ વસુલાત કરવામાં આવી રહ્યો છે, ચાલુ વર્ષે જ બોર્ડ સહિતની પરીક્ષાઓ સમાપ્ત થઈ છે, જે બાદ લોકો વેકેશનની મજા માળી રહ્યા છે, બાળકો સહિત પરિવારના સભ્યો હરવા ફરવા માટેના યોગ્ય સ્થળો શોધી ત્યાં જઈ રહ્યા છે, પરંતુ ભરૂચના ભાગ્યમાં હરવા ફરવા માટે માત્ર ગણતરીના જ સ્થળો આવેલા છે, તેમાં પણ મોટાભાગના સ્થળો નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા છે.
એવુ જ એક સ્થળ ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા પાર્ક છે, જ્યાં આજકાલ સાંજના સમયે જતા લોકોને પાર્કમાં અ સુવિધાના દર્શન થઈ રહ્યા છે, પાર્કમાં એન્ટ્રી ફી આપીને સાંજના સમયે પ્રવેશ કરનાર લોકોએ પાર્કમાં લાઈટ વ્યવસ્થા હોવા છતાં તેને ચાલુ ન કરવામાં આવતી હોય અંધારામાં જ ફરવા મજબુર બનવું પડતું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિકોએ વાયરલ કર્યા હતા, સાથે જ આક્ષેપો પણ કરાયા હતા કે પાર્કમાં રહેલ કર્મચારીઓને લાઈટ વ્યવસ્થા ચાલુ કરવા માટે રજુઆત કરી ત્યારે ત્યાંના કર્મચારીઓએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન જેવા જવાબો ફરવા ગયેલ શહેરીજનોને આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પાર્કનું કરોડોના ખર્ચે નિર્માણ થયેલ છતાં આ પ્રકારે અવ્યવસ્થાના દર્શન રાત્રીના સમયે લોકોને પ્રવેશ ફી આપ્યા બાદ પણ થતા હોય તો લાગતા વળગતા તંત્રના કર્મીઓએ આ મામલે ગંભીર નોંધ લેવી જરૂરી જણાઈ છે, સાથે જ પાર્કની મુલાકાત લેતા શહેરી જનોને પડતી સમસ્યાઓના ઉકેલ માટેની યોગ્ય વ્યવસ્થા પાર્કના કર્મીઓને ધ્યાન ઉપર લાવી કરવી જોઈએ તેવી લોકમાંગ હાલ ઉઠવા પામી છે.