વડોદરા શહેરના છાણી પાસેના જીએસએફસી બ્રિજ ઉપર ગતરાત્રે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ ખસેડ્યા બાદ ટ્રકમાં હાઈડ્રોજન લીકની માહિતી મળતાં તકેદારીના ભાગરૂપે ફાયર લાશ્કરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, ટ્રકમાં હાઈડ્રોજન ખાલી બોટલ હોય સામાન્ય લીકેજ હોવાનું બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો.
ગતરાત્રે છાણી પાસેના જીએસએફસી બ્રિજ ઉપર વડોદરાથી વાસદ તરફ જવાના માર્ગ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલ ચાલકને સ્થાનિકોએ ફાયર લાશ્કરો સ્થળ પર પહોંચે તે અગાઉ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમ્યાન કોઈ અનિચ્છિય ઘટના ન ઘટે અને પરિસ્થિતિ પર કાબુ હેતુ ટીપી 13 ના ફાયર લાશ્કરો સ્ટેશન ઓફિસર હર્ષ પુવરના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન જીએસએફસી ફાયર વિભાગ પણ મદદે રહ્યું હતું. અને પાણીનો મારો ચલાવી કુલીંગની પ્રક્રિયા હાથ ધરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ ટ્રેન વડે બંને ટ્રકોને રસ્તાથી સાઇડ ઉપર મૂકી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. અંકલેશ્વર તરફ જતી ટ્રકમાં હાઈડ્રોજનના ખાલી સિલિન્ડર હતા. જ્યારે સામેની ટ્રકમાં કુરિયરનો સામાન હતો.