ભરૂચ જીલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન જ્યાં માર્ચ મહિનામાં બદલાતી ઋતુના દર્શન કર્યા તો હવે એપ્રિલ માસ દરમ્યાન ગરમીનો પ્રકોપ જીલ્લા વાસીઓને સટાવી રહ્યો છે, ચાલુ માસ દરમ્યાન ઉનાળો બરાબરનો જામ્યો હોય તેવું જીલ્લા વાસીઓને અનુભવ થઈ રહ્યો છે, જિલ્લામાં ગરમીનો પારો વહેલી સવારથી જ પરસેવા છોડાવે તેવી સ્થિતિમાં ચાલુ માસ દરમ્યાન જોવા મળી રહ્યું છે.
રવિવારે ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાયો હતો, જે બાદ સોમવારના દિવસે પણ ઉનાળો આકરો સાબિત થયો હતો જ્યાં સવારે 10 વાગ્યા સુધી ગરમીનો પારો 34 ડિગ્રીને આંબી ગયો હતો તો બપોરે પારો વધી ને 40 ડિગ્રી આસપાસ પહોંચવા લાગ્યો હતો, આમ માર્ચ મહિનામાં જ્યાં કમોસમી વરસાદ, કરા પડવા, ઠંડા પવન ફૂંકાવવા જેવી ઘટનાઓના દર્શન બાદ હવે આકરા ઉનાળાના દર્શન ચાલુ માસ દરમ્યાન જોવા મળી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં ગરમીનો પારો વધતા તેની સીધી અસર શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. ભરૂચ અંકલેશ્વરના માર્ગો પર બપોર પડતા જ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે, તો બીજી તરફ માર્ગો પર નીકળતા લોકો પોતાની ત્વચાની જાણવણી અને તડકાથી બચવા દુપટ્ટા, રૂમાલ જેવી વસ્તુઓથી મોઢું ઢાંકી ફરતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક સ્થળે તો શેરડીનો રસ સહિતના ઠંડા પીણા સેવન પીરસતી દુકાનો પર લોકોની ભીડ નજરે પડતી હોય છે.
આમ ભરૂચ જિલ્લામાં ગરમીના પ્રકોપ વચ્ચે આજકાલ લોકો આકરા ઉનાળાના દર્શન કરી પરસેવે રેબઝેબ બની પોતાના કામ ધંધા સહિતની પ્રવૃતિઓ કરવા મજબુર બન્યા હોય તેમ કહેવાય રહ્યું છે.