ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આજે બપોરના સમયે એક ટ્રક ચાલકે સાયકલ લઈ પસાર થઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને કચડી નાંખી તેનું ઘટના સ્થળે જ મોત નીપજાવી સ્થળ પરથી ફરાર થઈ જતા ભારે ખળભાળત મચ્યો હતો, ઘટનાના પગલે એક સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા.
દિવસ દરમ્યાન શહેરી વિસ્તારમાં ભારદાર વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં આ પ્રકારે વાહનો બિન્દાસ અંદાજમાં શહેરી વિસ્તાર માં પ્રવેશ કરી અકસ્માત સર્જી રહ્યા છે, તેવામાં લોકોએ તંત્ર સામે આ અકસ્માતની ઘટના બાદથી આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ અકસ્માત સર્જી ફરાર થયેલ ટ્રક કોના ત્યાં અને કોની પરવાનગી હેઠળ શહેરી વિસ્તારમાં પ્રવેશી હતી તે દિશામાં તપાસની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર શહેરી વિસ્તારમાં આ પ્રકારે ભારદાર વાહનો થકી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, તેવામાં હવે શહેરી વિસ્તારમાં એન્ટ્રી પોઈન્ટો ઉપર ઉભા રહેતા ટ્રાફિક બ્રિગેડ સહિત ટ્રાફિકના કર્મીઓની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, આ પ્રકારે અકસ્માતની ઘટનાઓમાં ક્યાં સુધી નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે તેવા સવાલો તંત્ર સામે સ્થાનિક લોકોએ કર્યા હતા.
હાલ સમગ્ર મામલે ઘટના બાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતને અંજામ આપનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથધરી છે.