મૂળ અમદાવાદમાં જન્મેલા અને લગ્ન બાદ ૩૫ વર્ષોથી ભરૂચમા સ્થાયી થયેલા શ્રીમતી કેતકી બેન મહેતા જૈન સોશ્યલ ગૃપ ભરૂચ દ્વારા સંચાલિત અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજ્ક્ટમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. અનસૂયા જે મોદી વુમન એમ્પાવર પ્રોજેક્ટ એટલે ભરૂચ શહેર અને જિલ્લાની વંચિત-જરૂરિયાતમંદ બહેનો દીકરીઓ માટે પોતાના અને પોતાના કુટુંબની આર્થિક ઉન્નતિનું પ્રથમ પગથિયું. જેમાં ન્યાત જાતના કોઇપણ ભેદભાવ વગર, વિનામુલ્યે વિવિધ વેકેશનલ કોર્ષિસ જેમ કે, ફેશન ડીઝાઇનીંગ બેઝીક પ્લસ એડવાન્સ, કોમ્પયુટર બેઝીક પ્લસ ટેલી, બ્યુટીશીયન પ્લસ મહેંદી, કેટરિંગ પ્લસ ડ્રાય નાસ્તા મેકિંગ, ફોર વ્હિલર ડ્રાઇવિંગ, ધો.૧૦ ની ડ્રોપ આઉટ પ્લસ ફેઇલ વિધ્યાર્થીનીઓ માટે વર્ષભર દરેક વિષયના ટ્યુશન ક્લાસીસ અને ખાસ ‘ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયંસિસ મુંબઇ’ ના સહયોગ સાથે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એવો જેરિયાટ્રીક-કેર કોર્ષ જેમાં વૃધ્ધ વડીલોની સારવાર અને દેખભાળ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવે છે.અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૩૦૦૦ જેટલી જરુરિયાત મંદ બહેનો દીકરીઓને જુદા જુદા કોર્ષમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલ સરવે પ્રમાણે ૭૬% બહેનો પોતાનો નાનો મોટો વ્યવસાય અથવા જોબ કરી આર્થિક રીતે પગભર થઇ પોતાના કુટુંબના ઉત્થાનમાં ફાળો આપી રહી છે. વધુ આગળ વધી સંસ્થા દ્વારા સિલાઇમાં પ્રોડક્શનનું કામ શરુ કરવામાં આવ્યુ જેમાં જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓના યુનિફોર્મ તથા અન્ય ગારમેન્ટ તૈયાર કરાવી બહેનોને સેન્ટર પર જ ટ્રેનિંગની સાથે કમાણી પણ પૂરી પાડવાનાં આવી રહી છે. કોરોના કાળ દરમ્યાન સંસ્થાની બહેનોએ એક લાખ કોટન માસ્ક બનાવીને પોતાના કુટુંબને આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. આ સંસ્થાના પ્રેરકબળ સમાન, માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં સફળ ઉધોગપતિની સાથે કરૂણામય સમાજસેવી તરીકે નામના પામેલા શ્રી કમલેશ ઉદાણીના પ્રયત્નોથી આ સંસ્થાને આર્થિક સહાય પ્રાપ્ત થઇ રહી છે.
કેતકી બેન પોતાની દૈનિક વ્યસ્તામાંથી દરરોજ ૩-૪ કલાક જેટલો સમય આ સંસ્થાની બહેનોની પ્રગતિ માટે ફાળવી રહ્યા છે. તેમની સાથે જૈન સોશ્યલ ગૃપની અન્ય ૧૪ બહેનો અઠવાડિક ધોરણે સંસ્થા સાથે જોડાયેલ છે. સંસ્થામાં બહેનોને ટ્રેનિંગ ઉપરાંત તેમના વ્યક્તિત્વ વિકાસ, સામાજીક વિકાસ અને માનસિક રીતે વિકસીત કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે., જેથી પોતાના મનગમતા વિષયની ટ્રેનિંગ લીધા બાદ બહેનોને આ વિશાળ દુનિયામાં આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરવામાં તકલીફ ના પડે.
કેતકી બહેનના વુમન એમ્પાવરમેન્ટના આ કાર્યને બિરદાવતા વિવિધ સામાજિક સંસ્થાઓ જેવી કે, જેએસજીઆઇએફ, જેસીઆઇ ભરૂચ, લાયન્સ ક્લબ વગેરે દ્વારા એવોર્ડ એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. સમાજસેવાના આ કાર્યને આગળ ઘપાવતા હમણા જ કેતકી બહેને જૈન સોશ્યલ ગૃપ ભરૂચના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે,ત્યારે ભરૂચની જનતાના લાભાર્થે વધુ એક સમાજ સેવાનું કાર્ય શરૂ કરવાની અદમ્ય ઇચ્છા જાહેર કરી છે. કેતકી બહેન ભરૂચની જનતા માટે સમાજ સેવાના આવા કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા.