ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી ગઈ હતી. ટ્રેન આવી રહી હતી તે સમયે રેલવે ફાટક ખુલ્લી કેમ હતી? તે આ ઘટના બાદ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો. મોડી રાતે બનેલી ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી, જોકે અકસ્માતના કારણે ટ્રક સાથે ટ્રેનના એન્જીનને પણ નુકસાન પહોંચ્યું હતું.
બનાવના પગલે રેલવે પોલીસ, રેલવે ટેક્નિકલ અને એડમીન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાટકમેનનું ઘટના બાદ કહેવું છે કે ઉપરથી કચેરીથી ફાટક બંધ કરવા કોઈ સૂચના કે એલર્ટ આપવામાં આવી ન હતી અને ટ્રેન આવી પહોંચતા ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે સ્થાનિકોએ વિડીયો વાઇરલ કર્યો છે જેમાં ફાટકમેન નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
31 ડિસેમ્બર 2017 એ આજ સ્થળે 5 બાળકોએ જીવ ગુમાવ્યા હતા
ભરૂચ જિલ્લાના દયાદરા ખાતે 31 ડિસેમ્બરની રાતે રેલ્વે ક્રોસિંગ દરમ્યાન માલગાડી કાર સાથે અથડાતા પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને છ અન્યને ઈજાઓ પહોંચી હતી. મૃતક દયાદરા દારુલ ઉલુમના વિદ્યાર્થીઓ કુરાન પઢવા માટે ઉમરાજ ગામે ગયા હતા અને દયાદરા પરત ફરી રહ્યા હતા. આ સમયે આ માનવરહિત ફાટક હતી ઘટના બાદ અહીં ફાટકમેન મુકાયો હતો જેણે ગતરાતે નશાની હાલતમાં સુઈ જઈ ફાટક બંધ કરવાની દરકાર ન લેતા અકસ્માતની ઘટના ફરી એકવાર બની છે. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાવા પામી નથી.