અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના લુવારા ખાતે સ્થાનિક સહયોગીઓ સાથે એક વિશેષ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક પંચાયતના સભ્યો, સ્વયંસેવી જૂથ, મરીન પોલીસ, ઉત્થાન સહાયક અને સમુદાયના સભ્યો સાથે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ અને સંગીત ખુરશી જેવી રમત ગમતની સ્પર્ધા યોજાઇ હતી. વિસ્તારમાં કાર્યરત મહિલાઓ અને સ્થાનિક સમુદાય વચ્ચેના અનુબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લુવારા ગામની બે ટીમ, ઉત્થાન સહાયક અને દહેજ અદાણી પોર્ટ હોર્ટિકલ્ચરની ટીમએ એકદમ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સામેલ મહિલાઓ જીવનમાં પ્રથમ વખત જ આ પ્રકારની સ્પર્ધામાં સામેલ થયા હોવાથી તેમનો ઉત્સાહ ગજબનો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉત્થાન સહાયક અને લુવારા ગામની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ઉત્થાન સહાયકની ટીમ વિજેતા થઈ હતી. લુવારા ગામની જ ૨૦ મહિલાઓ વચ્ચે સંગીત ખુરશીની રમત રમાઈ હતી. લુવારાના અરૂણાબેન રાઠોડ સંગીત ખુરશીમાં વિજેતા બન્યા હતા. તમામ વિજેતા અને ઉપવિજેતાને ટ્રોફી અને ઈનામનું વિતરણ હજાર મહનુભાવોના હસ્તે થયું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મરીન પીઆઈ પી. ડી. ઝળકાટ, લુવારા ગામના સરપંચ ઈશ્વર વસાવા, અદાણી ફાઉન્ડેશનના યુનિટ CSR હેડ ઉષા મિશ્રા, ફાઉન્ડેશન ટીમ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં મહિલાઓ, પંચાયત સભ્યો અને ગામના આગેવાનો દ્વારા અદાણી ફાઉન્ડેશનો આ આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.