ભરૂચ નગરનાં રામનગરમાં ગતરોજ છ વર્ષની માસૂમ બાળકીની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો આ બનાવ અંગે બાળકીની માતા એ હત્યાની કબૂલાત કરી પતિ અને પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે દીકરીની હત્યા કરી હોવાની પણ કબૂલાત કરી હતી.
ભરૂચના રામનગરમાં રહેતા અને મૂળ રાજસ્થાની રાજપૂત પરિવારની ત્રીજી બાળકીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતા માતા જ શંકાના દાયરામાં આવી ગઈ છે. ત્રણેય બાળકીઓ મૃત્યુ વખતે માતા જ સાથે હોય ત્યારે હાલતો રહસ્ય સર્જાયું છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોર્ટ રોડ પર આવેલા એકતા નગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતી પરિવારો વસવાટ કરે છે. મૂળ રાજસ્થાનના ધોળપુરના કલ્યાણ રાજપૂત સાથે નાના ભાઈ મનોજ રાજપૂત તેમની પત્ની નંદની રાજપૂત સહિતનો પરિવાર ભરૂચ રહે છે. આજે બન્ને ભાઈઓ નોકરીએ ગયા હતા અને ઘરે નંદની રાજપૂત તેની 6 વર્ષીય પુત્રી અંશુ સાથે એકલી હતી. તેવામાં અચાનક અંશુ બાળકી બેભાન થઈ ગઈ હોવાની જાણ થતાં પિતા અને કાકા તરત જ ઘરે દોડી આવ્યા હતા. અંશુને બાઇક પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. આવા સંજોગોમાં પોલિસે માતા નંદિનીની અટક કરી પૂછપરછ કરતા માતા નંદિનીએ પોતાના પતિ સાથે વખતો વખત થતા ઝઘડાના પરિણામે બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અગાઉ બે બાળકીની હત્યા અંગે ભરૂચ પોલીસ રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી રહી છે.