મોદી સરનેમ પર ટિપ્પણી મામલે સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે મામલે રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં અરજી દાખલ કરવામાં માટે આવવાના છે જેને લઈ સુરત ખાતે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત ખાતે જનાર હોય પોલીસે તે પહેલા જ તેઓની અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રાણા તેમજ કાર્યકરોની કોંગ્રેસ ABC સર્કલ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી તો બીજી તરફ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી સહિતના યુવા કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવા જતા જ એક સમયે પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કોંગી આગેવાનોએ પોલીસની કામગીરીને વખોડી વર્તમાન સરકાર વિરુદ્ધમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.