ભરૂચ શહેરના વસંતમિલની ચાલ વિસ્તારમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને સામાજીક કાર્યકર જેરામ મુળજીભાઈ ગલચર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પી.આઈ.યુ વિભાગ દ્વારા આચારવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તેમજ RTI એક્ટના ઉપયોગ થકી સચોટ માહિતીઓ મેળવી લાખોના કથિત ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, પરંતુ તેઓની આ ભ્રસ્ટાચારને ઉજાગર કરવાની લડતમાં પી.આઈ.યુ વિભાગ અધૂરી માહિતીઓ આપી પોતાની છટકબારી કરી રહ્યા હોવાના આક્ષેપ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જેરામભાઈ ગલચર દ્વારા કરવામાં આવ્યા છે.
જેરામ ભાઈનું જણાવવું છે કે તેઓએ થોડા દિવસો અગાઉ પી.આઈ.યુ વિભાગને લગતા કેન્દ્રોના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા ઉપજી હતી જે બાદ તેઓએ આર.ટી.આઈ દ્વારા સમગ્ર કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની નેમ લીધી હતી પરંતુ તેઓ દ્વારા સતત અલગ અલગ કેન્દ્રમાં થયેલ કથિત ભ્રષ્ટાચારને લઈ પી.આઈ.યુ વિભાગ સહિત વડી કચેરીમાં અરજીઓ કરી માહિતી માંગી હતી જે બાદ પણ તેઓને સંતોષકારક માહિતીઓ તંત્ર દ્વારા હજુ સુધી ન અપાઈ હોય અને કથિત ભ્રષ્ટાચારને છાવરવામા આવી રહ્યો હોય તેવા ગંભીર આક્ષેપો ભરૂચ પી.આઈ.યુ વિભાગ સામે જેરામ ભાઈએ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જેરામભાઈ ગલચર દ્વારા જે લાખોના કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેમાં તેઓની તપાસ દરમ્યાન એક મોટા અધિકારીની શંકાસ્પદ સંડોવણી સામે આવી શકે તેમ છે તેમજ તેઓનું માનવું છે કે જો આ મામલે સચોટ રીતે તપાસ કરવામાં આવે તો આ કથિત ભ્રષ્ટાચારનો રેલો વધુ લાંબે સુધી પણ જઈ શકે તેમ છે.
પરંતુ હાલ તો આ કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર આર.ટી.આઈ એક્ટિવસ્ટ જેરામભાઈ તંત્ર પાસે સચોટ અને પૂરતી માહિતી માંગવા જઈ તો રહ્યા છે જ્યાં તેઓને અધૂરી માહિતીઓ આપી તંત્ર તેઓ સાથે ફૂટબોલની જેમ આખા મામલે રમત રમી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર મામલે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જેરામભાઈ ગલચર દ્વારા આ કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આખરે મીડિયાનો સહારો લઈ તેઓની આ લડતમાં યોગ્ય રીતે ન્યાય મળે તેવી તેઓએ માંગ કરી છે.