વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે, જોકે, રાહુલ ગાંધીને તેમના ‘મોદી અટક’ નિવેદન માટે જામીન આપ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી કોંગ્રેસ નેતા ચુકાદાને પડકારી શકે. કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે વિરોધની જાહેરાત કરી છે.
દિલ્હીથી લઈ દેશના કેટલાય રાજ્યોમાં મોદી સરકાર સામે લોકશાહી બચાવોની માંગ સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આજે ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા, ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં વર્તમાન મોદી સરકારમાં લોકશાહી બચાવોની માંગ સાથેના સુત્રોચ્ચાર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ વર્તમાન મોદી સરકાર વિરોધ સુત્રોચાર કરી પૂતળાનું દહન કરતા એક સમયે પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જોકે કોંગી કાર્યકરો પૂતળા દહનમાં સફળ રહ્યા હતા, જે બાદ પોલીસે વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, ગુજરાત કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહિત વિરોધ કરી રહેલા 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં છેલ્લા 4 વર્ષથી રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો હતો. 2019 ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. જે બાદ ભાજપ નેતા અને ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ સુરતની કોર્ટમાં માનહાનિનો દાવો ઠેક્યો હતો. જે મામલે આજે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જોકે રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ કોર્ટે તેમને 30 દિવસના જામીન આપી દીધા છે. હવે રાહુલ ગાંધી કોર્ટના ચુકાદાની વડી અદાલતમાં અપીલ કરશે.
-ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર પણ ગરમાવો
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિ કેસમાં બે વર્ષની સજા સંભળાવી છે. રાહુલ ગાંધીની સજા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એવામાં કોંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રોફાઈલ ફોટો બદલી નાંખી છે. આ સાથે જ તમામ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓએ પણ આજ ફોટો પોતાની પ્રોફાઈલ પર લગાવ્યો છે.
કોંગ્રેસે ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સત્તાવાર એકાઉન્ટ્સમાં નવો પ્રોફાઈલ ફોટો લગાવ્યો છે. આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાનનો છે, જેના પર લખ્યો છે- “ડરો મત”