ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશનની ઉત્તર દિશામાં આવેલી રેલવે ફાટક નંબર ૧૯૮ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બીજા દિવસે પણ ટ્રેનો અનિયમિત રીતે દોડતાં મોટા ભાગના સ્ટેશનો પર મુસાફરો અટવાઇ ગયા હતાં. સવારથી જ અપડાઉનમાં દોડતી લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો મોડી ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે રાત્રે રેલવે ફાટક ૧૯૮ ના ગેટના બેરિયર સાથે કોઈ અજાણ્યા વાહન ચાલક અથડાતા બેરિયર ઓવર હેડ કેબલ સાથે અથડાતાં ધડાકાભેર વીજ પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને ટ્રેનોનું નિયંત્રણ કરતી પેનલ સિસ્ટમમાં ફોલ્ટ સર્જાતા સિગ્નલ સિસ્ટમ ખોટકાઈ ગઈ ગઈ હતી. ટ્રેનો પરનું નિયંત્રણ પાલેજ સ્ટેશન ટેક્નિસ્યનોએ ગુમાવી દેતાં અધિકારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
ઘટનાની જાણ ભરૂચ અને વડોદરા કરતા અધિકારીઓ ટેક્નિશયનો પાલેજ ખાતે દોડી આવી મોડી રાત્રે ૧૦/૩૦ કલાકે ટ્રેન વ્યવહાર કાર્યરત કરવામાં સફળતા મળી હતી. જે દરમ્યાન અનેક ટ્રેનો નબીપુર ભરૂચ, કરજણ, લકોદ્રા સ્ટેશનો પર અધવચ્ચે અટકી જવા પામી હતી. પાલેજ રેલવે ફાટક ૧૯૮ માં અકસ્માતે નુકસાન સર્જાતા ફાટક બંધ પડતાં વાહનોનું ભારણ ૧૯૭ (કિસનાડ ફાટક) પર વધી જતાં ટ્રાફિકની સમસ્યા બીજા દિવસે પણ ચાલુ રહી હતી. ઘટના સબંધે વડોદરા ભરૂચના રેલવે અધિકારીઓ આર પી એફ ના ઉચ્ચ અધિકારીઓ પાલેજ દોડી આવ્યા હતા. ટ્રેનોની અવરજવરમાં બીજા દિવસે પણ બાધા ચાલું રહી હતી. રોજિંદા લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી સંખ્યામાં ભરૂચ સુરત વડોદરા અપડાઉન કરતાં નોકરિયાત વર્ગના મુસાફરો અટવાય ગયાં હતાં. અકસ્માત કરી ભાગી ગયેલાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ રેલવે પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી હતી.
યાકુબ પટેલ, પાલેજ