ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત પાંચમી ઘટના સામે આવી હતી. પ્રથમ ઘટના ગત રોજ પાનોલી જીઆઈડીસી માંથી સામે આવી હતી તો બીજી ઘટના પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં સર્જાઈ હતી જે બાદ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં એક લિફ્ટમાં આગ લાગી હતી તો મોડી સાંજે એક કારમાં આગ લાગવાની ઘટના અંકલેશ્વર માર્ગ પર સામે આવતા ભારે નાશભાગ મચી હતી, આ ઘટનાઓની શાહી હજુ સુકાય પહેલા જ આજે સવારે ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં અગ્નિ તાંડવ જોવા મળ્યું હતું.
ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી પ્લાસ્ટિક બેગના વેર હાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ સર્જાઈ હતી, આગના ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસ ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા, વેર હાઉસમાં અચાનક ભીષણ આગના પગલે આસપાસમાં ઉપસ્થિત લોકો પણ સલામત સ્થળે દોડી ગયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરો એ બે થી વધુ લાયબંબા સાથે સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવવાની કવાયત હાથધરી હતી.
સતત એક કલાક જેટલાં સમયથી જીઆઈડીસી વિસ્તારમાં અગ્નિનો તાંડવ જોવા મળ્યો હતો, હાલ આ વેર હાઉસમાં આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી, સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો, વેર હાઉસમાં લાગેલ ભીષણ આગમાં કંપનીને મોટુ નુકશાન થયું હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વધુ એક અગ્નિ તાંડવ : ભરૂચ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક બેગના વેર હાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ
Advertisement