ભરૂચ તાલુકા તેમજ વાગરા વિધાનસભામાં આવેલ દેત્રાલ ગામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મંદિર મહાદેવ મંદિર ધર્મશાળામાં રામજી મંદિર તોડી એક શખ્સએ પોતાનું આલીશાન મકાન બનાવી દીધું હતું. જે ગ્રામજનોને ગમ્યું ન હતું, જોકે મહંત ગજાનંદ ભરૂચ ભાજપમાં ઉંચો હોદ્દો ધરાવતા હોય ગ્રામજનો અંદરોઅંદર ચર્ચા કરવા સિવાય કોઈ રસ્તો ન હોય તેમ વિચારતા હતા કોઈને કહેવાય નહીં અને સહેવાય નહિ તેમ ચર્ચાઓના દોર વચ્ચે ગામના જ સામાજિક આગેવાન મુબારક વલી મન્સૂરી અને ગ્રામજનો આ બાબતે વર્ષ ૨૦૧૦ માં વહીવટી તંત્ર સામે લડતની શરૂઆત કરી હતી. જોકે વર્ષ ૨૦૧૭ માં મુબારક વલીનું મૃત્યુ થયા બાદ પોતાના નાના ભાઈની લડતને ન્યાય અપાવવાની નેમ લઈ અમદાવાદમાં ચાની લારી ચલાવતાં મોટાભાઈ મહમદવલી મન્સૂરીએ પણ લડત ચાલુ કરી હતી.
ભરૂચ વહીવટીતંત્રની તારીખ પે તારીખની નીતિઓ સામે અમદાવાદથી કામધંધો પર અસર થતાં મહમદવલી માનસિક અને આર્થિક પરિસ્થિતિથી તૂટી ચુક્યા હતા પણ આ બાબતે ગ્રામજનો સાથ સહકાર અને હિંમત મળતાં મહમદવલીએ લડત ચાલુ રાખી અને વર્ષ ૨૦૧૯ માં ચેરિટી કમિશનર સાહિતના વહીવટીતંત્રમાં ફરિયાદ ચાલી હતી. તારીખ પે તારીખની લડત બાદ નડિયાદના વકીલ ચિરાગભાઈ પરીખની મહેનત રંગ લાવી હતી અને તા.૧૭/૦૧/૨૦૨૩ ના હુકમના આધારે રામજી મંદિરનું નામ આખરે દેત્રાલ ગામના ટ્રસ્ટના નામે થયું હતું. જે લડતમાં જશુભાઈ પટેલ, નોફલ પટેલ, મયુરકાંત પટેલ, ભાસ્કર પટેલ, બસીર દુકાનવાલા, અબ્દુલ મન્સૂરી, કનુભાઈ પટેલ સહિતના ગામના આગેવાનો અને ગ્રામજનોએ સીધી અને આડકતરી રીતે સહયોગ આપ્યો હતો. ચેરિટી કમિશનરમાં નડિયાદના વકીલ ચિરાગભાઈ પરીખ તથા ફૈઝલ પટેલની લડત રંગ લાવી હતી.
દેત્રાલ ગામના રામજી મંદિરનો મુદ્દો સોસીયલ મીડિયા પર જોરશોરથી ઉઠ્યો હતો. જેમાં લોકોએ પણ રામજીને પોતાનું મંદિર પાછું મળે તેની મુહિમ ઉઠાવી હતી. ત્યારે ગામના તમામ ધર્મ અને જાતિના લોકો એક થઈ રામજીના મંદિરને પાછું મેળવવા પ્રયાસ કર્યા હતા. ત્યારે હિન્દૂ મંદિરને બચાવવા એક મુસ્લિમ સમાજના વ્યક્તિની મુહિમ રંગ લાવી અને ગામમાં કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉભું થયું હતું. ત્યારે હિન્દૂ મુસ્લિમના નામે ભેદભાવ કરી અંદરો અંદર લડાવવાની માનસિકતા ધરાવતા લોકો સામે દેત્રાલ ગ્રામજનોએ શ્રેષ્ઠ ઉદાહરણ ઉભું કર્યું છે.