ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઉનાળાના આગમન ટાણે પુનઃ અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. મંગળવારે બપોર બાદ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસ્યો હતો. હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે ફરી એકવાર પાલેજ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ગત સપ્તાહમાં પણ પાલેજ પંથકમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે પુનઃ મંગળવારે પણ વરસાદ વરસતા લોકોમાં અચરજ ફેલાયું હતું અને શું ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે ? એવી પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. ફાગણ માસમાં જાણે કે અષાઢી માહોલ સર્જાયો હોય એવા દ્ર્શ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ