રાજયમાં સરકારની માન્યતા વિના ચાલતી કૃષિ કોલેજના છાત્રોએ હાઇકોર્ટમાં કરેલા કેસના કારણે એમએસસીની પરીક્ષામાં વિલંબ થતાં રોષે ભરાયેલા સરકારી કોલેજના છાત્રોએ ખાનગીકરણના પુતળાનું દહન કર્યું હતું. ભરૂચમાં નવસારી કૃષિ યુનિવર્સીટી સંચાલિત એગ્રીકલ્ચર કોલેજ આવેલી છે જેમાં 250થી વધારે છાત્રો અભ્યાસ કરે છે.
ભરૂચની એગ્રીકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓમાં ખાનગીકરણ પ્રતિ ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે. ભરૂચની કોલેજના જનરલ સેક્રેટરી ભાવિક પટેલના જણાવ્યા અનુસાર રાજયમાં ખાનગી કોલેજોમાં કૃષિનો અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહયો છે. 2016માં આ કોલેજોની માન્યતા રદ કરી દેવામાં અાવી હતી તેમ છતાં કોલેજોએ અભ્યાસક્રમ ચાલુ રાખ્યાં હતાં. સરકારી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની પરીક્ષા આપવાની હોય છે.
આ પરીક્ષા માટે માન્યતા વિનાની કોલેજમાંથી ઉર્તિણ થયેલા છાત્રોએ ફોર્મ ભરતાં તેમને ગેરમાન્ય ઠેરવવામાં અાવ્યાં હતાં. આ છાત્રોએ હાઇકોર્ટમાં કેસ દાખલ કરતાં આખો મામલો અટવાઇ ગયો છે. આ કેસની સુનાવણીમાં તારીખ પડતી હોવાથી એમએસસીની પરિક્ષામાં વિલંબ થઇ રહયો છે જેના કારણે 1,000 જેટલા છાત્રોનું ભાવિ અંધકારમય બની ગયું છે. ખાનગીકરણના વિરોધમાં ભરૂચની કોલેજમાં ભણતા છાત્રોએ કોલેજથી હોસ્ટેલ કેમ્પસ સુધી રેલી યોજી ખાનગીકરણના પુતળાનું દહન કર્યું હતું.સૌજન્ય