ભરૂચ જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અત્રે નોંધવું રહ્યું કે જિલ્લામા નવા વિકાસનાં કામોની વાતો કરવામાં આવી હતી પરંતું તે અંગે બજેટમાં યોગ્ય જોગવાઈ જણાઈ નથી. ગત વર્ષ કરતા આ વર્ષે માત્ર રૂ 34 લાખનો વધારો જણાઈ રહયો છે.
ભરૂચ જિલ્લા પંચાયતના સભાગૃહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં બજેટ અંગેની સભા યોજાઈ હતી જેમાં વર્ષ 2023-24 માટે પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. સભામાં જિલ્લા વિકાસ અધિકારી પંકજકુમાર જોષી, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય સભ્યોની હાજરીમાં બેઠક યોજાઇ હતી. આ બજેટનાં મુખ્ય આર્થીક પાસાના મુખ્ય મુદ્દા જોતા વર્ષ 2023-24 નું કુલ બજેટ ₹18.56 કરોડ જાહેર કરાયું હતું. જે ગત વર્ષે ₹18.22 કરોડ સામે માત્ર 34 લાખ વધુ છે.
આરોગ્ય ક્ષેત્રે ગત વર્ષે 33.23 લાખની જોગવાઈ સામે આ વર્ષે 2.31 કરોડ ફાળવાયા છે. પશુપાલન ક્ષેત્રમાં 3.02 લાખ, જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે 3.46 કરોડ સામે આ વર્ષે 7.53 કરોડ મંજુર કરાયા છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની સામાજિક ન્યાય નીધિ ખાતે જોગવાઇ કરાઈ છે. નાની સિંચાઇ ક્ષેત્રમાં 28 લાખ, શિક્ષણ, ખેતીવાડી ક્ષેત્ર, આંકડા ક્ષેત્ર, સહકાર ક્ષેત્ર તથા કુદરતી આફતો સામે પણ કુલ જોગવાઇ 20.35 લાખની જોગવાઇ કરાઈ છે.