ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલ આંખ કરી છે. જિલ્લામાં ચાલુ વર્ષે જ અનેક સ્થળે નશાના વેપલો કરતા તત્વોને ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડી લાખોનો શરાબનો જથ્થો ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના સફળ દરોડામાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર નબીપુર નજીકની શીતલ હોટલની સામેના ભાગે મહારાષ્ટ્ર પાર્સિંગના એક આઈસર ટેમ્પો નંબર MH, 18, BA 5354 માં તલાસી કરતા તેમાં પુઠ્ઠાના પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ 48,23,690 નો મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાચે મામલે અંતરસિંહ લક્ષમણસિંહ ભાભર રહે. ઇન્દોર મધ્ય પ્રદેશ નાઓની ધરપકડ કરી મામલે ઇન્દોર દાદા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આઈસર ટેમ્પો સહિત 45 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.