ભરૂચ જિલ્લામાં તેમજ શહેરમાં અનેક સ્થળે આજે પણ સ્પા મસાજ પાર્લર ચાલી રહ્યા છે, કેટલાક સ્પા કાયદામાં રહી પોતાની કામગીરી કરી રહ્યા છે તો કેટલાક સ્પામાં ગેરકાયદેસર પ્રવૃતિના કારણે અવારનવાર પોલીસ દરોડા પાડી તે પ્રકારની પ્રવૃતિને ડામી રહી છે, ભરૂચ શહેરમાં પણ અનેક સ્થળે સ્પા સેન્ટરો ચાલી રહ્યા છે, પરંતુ આ સ્પા સેન્ટરોમાં મહિલા સ્પા વર્કરો અને સંચાલકો માટે કેટલાક પોલીસ કર્મીઓ જ માથાના દુઃખાવા સામાન બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ એક સ્પા સેન્ટરમાં તાજેતરમાં જ એક પોલીસ કર્મી ગયો હતો જ્યાં તેઓએ મહિલા સ્પા વર્કર સમક્ષ પોલીસે કરેલી કામગીરીનો ચિતાર આપી પોતાનો રૂઆબ બતાડી જિલ્લાના સ્પા સેન્ટરોમાં થતા દરોડા મામલે માહિતગાર કરી સ્પા વર્કરોમાં પોતાનો પ્રભાવ ઉભો કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં અહીંયા સવાલ એ થાય છે કે આ પોલીસ કર્મીઓ સ્પા સેન્ટરોમાં જાય છે તે ક્યા ઉદ્દેશથી જાય છે..? સ્પા સેન્ટરોમાં જતા આ પ્રકારના પોલીસ કર્મીઓની શું જે તે સ્પા સેન્ટરોના ચોપડે નોંધ લેવાય છે..? કે આવા સ્થળે જતી વખતે તેમના અધિકારીઓને જાણ કરાય છે ? કે મહિલા પોલીસ કર્મીને સાથે રાખી જે તે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ રખાય છે ? તેવી અનેક બાબતો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના સ્પા સેન્ટરોમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે પણ તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવું ખુબ જરૂરી બન્યું છે જેથી અવારનવાર સ્પા સેન્ટરોમાં થતા ગોરખધંધા સહિતની પ્રવૃતિઓ પણ અટકી શકે છે તેમજ સ્પા વર્કરોના સહયોગથી તંત્રને પણ ઘણી એવી પ્રવૃતિઓ અટકવવામાં સફળતા મળી શકે તેમ કહેવાય છે અને આ પ્રકારે સ્પા વર્કરોના થતા શોષણને પણ અટકાવી શકાય તેમ ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં એસ.પી તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી અસામાજિક તત્વો, બુટલેગરો સહિતના બે નંબરી તત્વો સામે સતત લાલ આંખ કરી છે લોક દરબારો યોજી લોકોને ગુનાખોરીની પ્રવૃતિઓ પર કઈ રીતે લગામ મેળવી શકાય માટેના જાગૃતિ અભિયાન અત્યાર સુધી ચલાવ્યા છે, જે બાદ ગુનેગારોને કાયદાના પાઠ ભણાવી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવી છે તેવામાં હવે સ્પા સેન્ટરોમાં કામ કરવા આવતી સ્પા વર્કરોનું પણ એક સેમીનાર યોજી મહિલા વર્કરોની આપવીતી અને તેઓને થતી હેરાનગતિ સહિતની બાબતો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી લાગી રહ્યું હોવાનું કહેવાય છે.