ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ઝૂંપડ પટ્ટી પાસે ગત ઉતરાયણની રાત્રીના સમયે બબુલ ગેંગનો આતંક જોવા મળ્યો હતો. વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાની બાતમી કંટ્રોલ પર કેમ આપે છે તેમ કહી એક બાદ એક ત્રણ લોકો સાથે આ ગેંગ દ્વારા પ્રથમ ચપ્પુની અણીએ મારામારી કરી ત્યારબાદ અપહરણ કરી ટેરેસ પર લઈ જઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જે દરમ્યાન પોલીસ સમયસર પહોંચી જતા ઘટનાને અંજામ આપનારા ચાર પૈકી બે ઈસમો સ્થળ ઉપર જ ઝડપાઈ ગયા હતા તેમજ અન્ય બે ઈસમો ચપ્પુ અને મોબાઈલ ફોન લઈ સ્થળ પરથી ફરાર થયા હતા.
ઉતરાયણના દિવસે રાત્રીના સમયે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ ઘટનાને અંજામ આપનાર દિનેશ ઊર્ફે બબુલ પાટણ વાડિયા તેમજ વિશાલ ઊર્ફે પોપટ વસાવાને પોલીસે સુપર માર્કેટ વિસ્તારમાં આવેલ ટેરેસ પરથી રંગે હાથ ઝડપી પાડી અપહરણ કરાયેલ લોકોને છોડાવ્યા હતા, જે બાદ પોલીસે ઘટનાને અંજામ આપનારી બબુલ ગેંગ સામે અપહરણ, લૂંટ, મારમારી સહિતની કલમો લગાવી તેઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
ઘટના બાદથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા બે ઈસમો આખરે એક મહિના ઉપરાંતના સમય બાદથી પોલીસની પકડમાં આવ્યા છે, પોલીસે બંને ઈસમો ચેતન અરવિંદ રાવળ અને અકબર મદાર શેખ નામના આરોપીઓને તપાસ દરમ્યાન ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, જે બાદ તેઓને કોર્ટ માં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા બંને આરોપીઓને ભરૂચ સબજેલ ખાતે કસ્ટડીમાં મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
– જે દારૂના અડ્ડાની બાતમીની શંકા એ ઘટનાને અંજામ અપાયો તે અડ્ડાઓ હજુ પણ યથાવત રીતે ચાલુ
ભરૂચના ઇન્દિરા નગર વિસ્તાર જાણે કે કેન્દ્ર શાશિત પ્રદેશમાં આવતો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે અહીંયા ખુલ્લેઆમ દિવસ રાત દારૂના અડ્ડા ધમધમતા જોવા મળી રહ્યા છે, તેમ છતાં પોલીસને કોઈ મજબૂરી નડી રહી છે કે પછી ગાંધી છાપ નોટો મળી રહી છે એટલે આ વિસ્તારમાં કાયમી આ નશાના વેપલાને છુટ્ટી આપી છે, તે બાબત આ ઘટનાક્રમ બાદથી આજે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે, તેવામાં જિલ્લા પોલીસ વડા તેમજ એ ડિવિઝન સહિત ક્રાઇમ બ્રાંચ અથવા સ્ટેટ મોનીટરીંગ સેલ જેવા વિભાગો આ પ્રકારના દુષણ સામે લાલાઆંખ કરે તે અત્યંત જરૂરિ જણાઈ રહ્યું છે.
– નવા બસ ટ્રમિનલની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂનું દુષણ અને અસામાજિક તત્વોનો આતંક
ભરૂચમાં તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવા બસ ટ્રમિનલનું નિર્માણ થયું છે, સી એમ ના હસ્તે આ ટ્રમિનલનું આગામી દિવસોમાં ઉદ્ધઘાટન થાય તેમ માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ ટ્રમિનલને અડીને જ આશરે 100 ફૂટના અંતરે દીવાલ પાછળ ખુલ્લેઆમ મીની દમણની જેમ ઝુંપડાની આડમાં દારૂનું વેચાણ તેમજ જુગાર સહિતની અસામાજિક પ્રવૃતિઓ ધમધમતી હોય આગામી દિવસોમાં આ પ્રવૃતિઓ તંત્ર બંધ નહીં કરાવે તો ડેપોમાં આવતા મુસાફરો તેમજ મહિલાઓની સુરક્ષા સામે પણ ખતરો ઉઠી શકે તેવું જાગૃત નાગરિકો માની રહ્યા છે.