ગણેશ સુગરના ડિરેક્ટરોની મુદ્દત પુર્ણ થયે ઘણો લાંબો સમય વિતી ગયો હોવાથી સહકારી અગ્રણી સંદીપસિંહ માંગરોલાએ સચિવને પત્ર લખી સત્વરે ચૂંટણી યોજવા રજુઆત કરી હતી.
પત્રમાં જણાવ્યાં મુજબ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા, તાલુકો વાલીયા, જીલ્લો ભરૂચમાં હાલમાં કસ્ટોડિયન કમિટીની રચના કરવામાં આવી છે. જે કર્મિટી દ્વારા સંસ્થાનો વહીવટ ચાલી રહ્યો છે. આ કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ થયા પછી સંસ્થાનો વહીવટ ખૂબ કઠળેલી હાલતમાં જોવાઈ રહ્યો છે. સંસ્થા પોતાના પ્રતિદિન પીલાણ ક્ષમતા કરતા ખૂબ નીચું પીલાણ કરી નુકસાનમાં ચાલી રહી છે. પૂરતા શેરડી કાપણીના મજૂરો અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે. કસ્ટોડિયન કમિટી માત્ર પોતાનો રાજકીય સ્વાર્થ સાધવામાં સંસ્થાનું આર્થિક નુકસાન પહોંચાડી રહી છે.
વધુમાં આપના દ્વારા આ કમિટીમાં કોઈની ચેરમેન કે વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયેલ નથી આમ છતાં સમગ્ર વ્યવહારો ગેરકાયદેસર રીતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ સ્વયં કસ્ટોડિયન કમિટી દ્વારા કરી દેવામાં આવી હોવાનું પણ જણાઈ રહ્યું છે. આવા સંજોગોમાં જાણકારી મુજબ માર્ચ ૨૦૨૩ માં એક વર્ષ કમિટીનું પૂર્ણ થતા સંસ્થામા હાલની કમિટીની પ્રાથમિક ફરજ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવાની બને છે અને સંસ્થામાં સુચારુ સંચાલન માટે ચૂંટાયેલું બૉર્ડ અસ્તિત્વમાં આવે એની પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ એમ ન થતાં કસ્ટોડિયન કમિટી દ્વારા વધુ સમય લંબાવી આપવા માટે પોતેજ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે. આ હકીકતો ધ્યાને લેતા હાલના કમિટીના સભ્યો સંસ્થાના સુચારુ વહીવટમાં નિષ્ફળ નીવડેલા હોય અને સંસ્થાની પ્રગતિ રૂંધાઇ રહી હોય આવનારા વર્ષોનો પૂરતો શેરડીનો જથ્થો પણ ઉપલબ્ધ ન કરી શકવાના કારણે સંસ્થાનું ભાવી ધૂંધળું બની રહ્યું છે. તેવા સંજોગોમાં હાલના કમિટીના સભ્યોને રીપીટ ન કરવામાં આવે કે એમની મુદત લંબાવવામાં ન આવે. જો એમ કરવામાં આવશે તો સંસ્થા નુકસાનમાં ઉતરશે અને એના માટે સંપૂર્ણ જવાબદાર આપ રહેશો.
વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર મુજબ ખાંડ સહકારી મંડળીઓ નિર્દીષ્ટ મંડળીની કેટેગરીમાં આવતી હોય નિયમો અનુસાર ચૂંટણી યોજવાની સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપવા વિનંતી છે. તેમજ આપના દ્વારા નિમાયેલા કસ્ટોડિયન કમિટી દ્વારા સદર સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા એક વર્ષના લાંબા ગાળા દરમ્યાન કેમ હાથ ધરવામાં આવી નથી જે બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. ઉપરોક્ત વિષયે વારંવારની મારી રજૂઆતોને નજર અંદાજ કરવામાં આવી છે અને આપના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુતર અમારા કોઈપણ પત્રનો પાઠવવામાં આવેલ નથી જેની અમોએ ખૂબ ગંભીર નોંધ લીધી છે. ભવિષ્યમાં આવું ન બને એ માટે ન્યાયના હિતમાં આપ નિર્ણય કરશો એવી મારી પુનઃ આપને વિનંતી છે એમ પત્ર દ્વારા સહકારી અગ્રણી સંદિપ સિંહ માંગરોલાએ જણાવ્યુ છે.