અસત્ય પર સત્યના વિજય નિમિતે મનાવાતાં હુતાશણી પર્વ નિમિતે એટલે કે હોળીના તહેવારને ભરૂચના રહેવાસીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. હોળી પૂર્વે શહેરમાં બજારોમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સૂર્ય ઢળતા જ ઠેર ઠેર શ્રદ્ધધાભેર હોળી પ્રગટાવી પૂજન અર્ચન કર્યા હતા.
ભારત ઉત્સવ પ્રિય દેશ છે, વિવિધ ધર્મના અનેક તહેવારો આપને ત્યાં ઉજવાઈ છે. હિંદુ ધર્મના તહેવારો પાછળ ધર્મ અને વિજ્ઞાન બંને જોડાયેલા છે. એક તરફ કોઈને કોઈ ઐતિહાસિક ગાથા જોડાયેલ છે, તો બીજી તરફ ઋતુગત વિજ્ઞાન પણ તેની સાથે જોડાયેલ હોય છે. આવો જ પર્વ એટલે હોળી, કે જે સત્યના વિજયના પ્રતિકરૂપે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ધાણી-ચણા અને સાથે શક્તિવર્ધક ખજુર ખાવાનું મહત્વ છે, જેની પાછળ વૈદિક વિજ્ઞાન છે. જેની ખરીદી માટે હોળીના દિવસ દરમિયાન ભરૂચના કતોપોર બજાર, શક્તિનાથ, તુલસીધામ, ધોળીકુઇ દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારોમાં ધાણી, ખજુર, સિંગ, ચણા, પિચકારી, ઘઉની સેવ સહિત વસ્તુઓનું વેચાણ કરતી હાટડીઓ પર ધસારો જોવા મળ્યો હતો. ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં પણ લોકો મકાઈ અને જુવાર સહિતની ધાણી ફોડવા માટે ભારે ભીડ જમાવી હતી. ધુળેટીના તહેવારને ઉજવવા માટે બાળકો અવનવી પિચકારીઓ તથા અવનવા રંગોની ખરીદીમાં મશગુલ બની ગયાં હતા. ચોમાસા બાદ વાતાવરણમાં જીવ જંતુઓનું પ્રમાણ વધી જતું હોય છે. હોળી પ્રગટાવી તેમાં હોમાતા વિવિધ વસ્તુઓના કારણે વાતાવરણની સુદ્ધિ અને જીવ જંતુઓનો નાશ થતો હોવાનું મનાય છે.
સાંજ ઢળતા જ શેરી મહોલ્લા, સોસાયટીઓના કોમન પ્લોટમાં ઠેરઠેર વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરમાં ૬૦ જેટલા સ્થાનો પર ગાયના છાણ અને ઘી સહિતના સાધનો વડે વૈદિક હોળી પ્રગટાવી હતી. લોકોએ શ્રદ્ધા પુર્વક ધણી-ચણા, સિંગ, ખજુર અને શ્રીફળની આહુતિ આપી વિધિવત પૂજા કરી હોળીની પ્રદક્ષિણા કરી હતી. ઝાડેશ્વર ખાતે હોલિકા દહન થતાં લોકોએ પૂજાપાઠ કરી હોલિકા દહનની પ્રદક્ષિણા કરી આવનારું વર્ષ મહમારીથી દૂર રહે અને લોકોને તંદુરસ્ત મળે તેવી પ્રાર્થનાઓ કરતાં જોવા મળ્યા હતા.
બીજી તરફ હોળી અને ધુળેટીના દિવસોમાં એક દિવસનો અંતરાલ હોવાનું કેટલાક જ્યોતિષોએ જણાવ્યું હતું. હોળીના દિવસ બાદ એક દિવસનો અંતરાલ એટલે પડવો રહેશે અને ત્યારબાદ એટલે કે બુધવારે ધુળેટી પર્વ ઉજવાશે. જોકે આ બાબતે પ્રજા, વિદ્યાર્થીઓ અને સરકારી વિભાગમાં અસમંજસ રહેલી છે કે રજા ક્યારે અને ધુળેટી ઉજવવી ક્યારે…?
બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો, આકાશમાં વાદળોએ આકાશ પર સામ્રાજ્ય સ્થાપિત કર્યા બાદ અચાનક જોર જોરથી પવન વછૂટ્યો હતો, ૪૦ કિલોમીટર પ્રતિ કલાકના પવનના સૂસવાટામાં ધૂળની ડમળીઓ ઉડી હતી. અને લોકોના ઘરના છાપરા પણ ઉડી ગયા હતાં, જોકે હોળીના લાકડાઓને કોઈ નુકશાન ન પહોંચે કે વરસાદમાં ભેજ ના લાગે તે માટે જાગૃત નાગરિકોએ તેને પ્લાસ્ટિકથી ઢાંકી દીધા હતા, અને સમી સાંજે હોલિકા દહન કર્યું હતું.