ભરૂચ શહેરી વિસ્તારમાં માર્ગો પર વધતા જતા વાહનોની સંખ્યાના કારણે છાશવારે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે, શહેરી વિસ્તારમાં સ્ટેશનથી જંબુસર બાયપાસ ચોકડી અને સોનેરી મહેલથી શ્રવણ ચોકડી વિસ્તાર વચ્ચે વાહનોની સતત અવરજ્વરના કારણે દિન પ્રતિદિન હવે મુખ્ય માર્ગો સાંકડા પડતા જઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ યોગ્ય પાર્કિંગના અભાવે અનેક વાહન ચાલકો ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉભું રાખે છે તો કેટલાક સ્થળે જાહેર માર્ગો ઉપર જ લારીઓ ઉભી કરી કેટલાક લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે.
ભરૂચના માર્ગો પર છાશવારે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, ભરૂચના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપી ઉભા રહેતા વાહનો તેમજ લારી ધારાકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે, તેમજ તેઓની સામે કાયદાકીય પગલાં ભરી તેઓની ભૂલનો અહેસાસ પણ કરાવવામાં આવી રહ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારની જ વાત કરવામાં આવે તો છેલ્લા બે માસમાં સ્ટેશનથી પાંચબત્તીનો મુખ્ય માર્ગ અને સેવાશ્રમ, શક્તિનાથ જેવા માર્ગો પર રસ્તા વચ્ચે મન ફાવે તેમ વાહન ઉભું રાખી દેવું તેમજ લારી ઉભી કરી વ્યવસાય કરતા અનેક લોકો સામે પોલીસે ગુના દાખલ કરી તેઓને સબક શીખવવામાં આવ્યો છે, સાથે સાથે ચાલુ માસ દરમ્યાન પણ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ રાખી રસ્તા વચ્ચે જ ગેરકાયદેસર પાર્કિંગ કરતા લોકો સામે લાલ આંખ કરી છે.