ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન સાથે સાથે લોક દરબાર કાર્યક્ર્મ ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલને પોલીસ ઇન્સ્પેકટર તેમજ પોલીસ જવાનોએ સલામી આપી હતી. ત્યારબાદ પોલીસ અધિક્ષકે પોલીસ જવાનોનું ઇન્સ્પેકશન કર્યું હતું. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક દ્વારા પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવેલા ગામોના સરપંચોનો અભિપ્રાય લીધા હતા.
ટંકારિયાના સરપંચ જાકિર ઉમટા દ્વારા વિવિધ રજુઆતો કરાઇ હતી. જેમાં મુખ્ય રજુઆત પર પ્રાંતમાંથી રોજી રોટી અર્થે આવતા શ્રમિકો માટે જરૂરી માહિતી એકત્ર કરી નોંધ રાખવા રજુઆત કરી હતી. ટંકારીયામાં એક હજાર ઉપરાંત પર પ્રાંતિયો રહેતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોની જાગૃતિ માટે પણ તેઓએ વિશેષ સૂચન કર્યું હતુ. જેના પ્રત્યુત્તરમાં પોલીસ અધિક્ષક દ્વારા પાલેજ , ટંકારીયા સહિતના ગામોમાં કોમ્બિંગ માટે વિશેષ સૂચન કર્યું હતુ. પોલીસ ઇન્સ્પેકટરને પણ ભાડા કરારના અમલ માટે વિશેષ સૂચના આપી હતી.
જીઆઇડીસી કંપનીમાં કામ કરતા કામદાર દ્વારા પણ રાત્રિ પેટ્રોલિંગ માટે માંગ કરી હતી. એસ પી દ્વારા કોઇપણ ગુનો બને તો પોલીસ મથકમાં જાણ કરવા અનુરોધ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર દ્વારા વિશેષ તકેદારી માટે બાંહેધરી આપવામાં આવી હતી. અંતમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતુ. આયોજિત કાર્યક્રમમાં ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક, પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મલંગ ખાન પઠાણ સહિત પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના ગામોના સરપંચો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો.
Advertisement