ભરૂચ જીલ્લામાં અનેક મોટી ઓદ્યોગિક વસાહતો આવેલ છે, અને ત્યાં લાખો કર્મચારીઓ કામ કરતા હોય છે પરંતુ આ કર્મચારીઓની સલામતી અને સ્વાસ્થ્ય બાબતે તંત્રનું યોગ્ય નિયંત્રણ ના હોવાને કારણે અનેક અકસ્માતો બને છે. કર્મચારીઓના સ્વાસ્થ્ય બાબતે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી રહેલ છે. કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કેટલાક કિસ્સામાં થતા મોતની જાણકારી તંત્ર સુધી પહોંચતી નથી અથવા તો યેનકેન પ્રકારે આવા કિસ્સાઓને દબાવી દેવામાં આવે છે. એકમમાં અકસ્માત થયું હોય કે ગેસની અસર થઇ હોય અને કર્મચારીનું ઘરે મૃત્યુ થાય તો તેને કુદરતી મૃત્યુ બતાવી દેવામાં આવે છે. અનેક વખતે આ બાબતોની ફરિયાદો થાય છે પરંતુ તેની થતી તપાસ શંકાના દાયરામાં રહે છે.
કંપનીઓના કાયદા મુજબ એકમોમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે તબીબોની નિમણુક કરવાની હોય છે અને તે માટે MBBS ની ડીગ્રી બાદ (સર્ટીફીકેટ ઇન ઇન્ડસ્ટ્રીઅલ હેલ્થ) ના માન્યતા પ્રાપ્ત ડીગ્રી હોય તેવા તબીબોની નિમણુક કરવાની હોય છે. પરંતુ આ કાયદો ફક્ત રેકર્ડ સુધી જ સીમિત છે. અનેક મોટા ઓદ્યોગિક એકમોમાં પણ આનું અમલ થતું નથી, અથવા આ અમલને રેકર્ડમાં ખોટી રીતે બતાવવામાં આવે છે. ભ્રષ્ટાચારની શંકાઓ રહેલી હોય છે. યોગ્યતા મુજબના ડોકટરોની નિમણુક થતી નથી, અમારા પ્રતિનિધિને મળેલ ફરિયાદ બાદ અમોએ કરેલ તપાસમાં અનેક એકમોમાં હોમિયોપેથીના ડોક્ટર (BHMS) ને રાખવામાં આવે છે જે યોગ્ય નથી. કેટલાક એકમોમાં મહિલા તબીબને લેવામાં આવતા નથી.
હાલમાં અમારા પ્રતિનિધિને મળેલ ફરિયાદમાં જાણવા મળ્યું છે કે ઓદ્યોગિક એકમમાં તબીબની વેકેનસીની જાહેરાતના અનુસંધાનમાં ઈન્ટરવ્યું લેવાયા બાદ મહિલા તબીબને કહેવામાં આવ્યું હતું કે અમોને પુરુષ તબીબની જરૂર છે અને જાહેરાતમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવતો નથી. ઈન્ટરવ્યું પણ લેવામાં આવે છે અને આવું અનેક જગ્યાએ બને ત્યારે આ દુઃખદ અને સમાજ માટે પણ ચિંતાનો વિષય છે.
અમારા પ્રતિનિધિને આ પીડિત મહિલા તબીબે જણાવ્યું હતું કે “આ એક લિંગ ભેદ છે. આ એક સામાજિક દુષણ છે અને તેનો વિરોધ થવો જોઈએ. એક બાજુ આપણે “બેટી બચાવો અને બેટી પઢાવો” નું સૂત્ર આપતા હોઈએ છીએ અને બેટી ઉચ્ચ અભ્યાસ કરી લાખોનો ખર્ચ, અને કીમતી સમય વિતાવી ડોક્ટર બને ત્યારે ખાનગી એકમો મહિલાઓને રોજગારી આપવાનું ના કહે છે. આ બાબત તેમની જાહેરાતમાં સ્પસ્ટ કરવી જોઈએ અને ઈન્ટરવ્યુંમાં બોલાવવા પહેલા સ્પસ્ટતા કરવી જોઈએ. આવું એક નહિ અનેક જગ્યાએ “ના” કેહવામાં આવે ત્યારે અમારી મનોદશા કેવી થતી હશે એ આપ કલ્પના કરી શકતા નથી અને એવું લાગે છે કે આજે પણ આપણી માનસિકતામાં ફર્ક પડ્યો નથી ”
મળતી માહિતી મુજબ સામાજિક આગેવાનો દ્વારા આ બાબતે કલેકટર સાહેબ, નિયામક/નાયબ નિયામક સાહેબ ઓદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને ભરૂચ ઓફીસમાં લેખિત જાણ કરી છે.