ભરૂચ તાલુકાના શિક્ષણ, મેડિકલ અને સાહિત્યક્ષેત્રે અગ્રેસર એવા ટંકારીઆ ગામે જનાબ નાસીરહુસેન લોટીયા સંપાદિત “ટંકારીઆ : ઇતિહાસની રોશનીમાં” પુસ્તકના વિમોચનનો પ્રોગ્રામ મહાનુભાવોની હાજરીમાં ગતરોજ રવિવારે રાત્રે દારુલ ઉલુમ કૉમ્યુનિટી હોલમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત હાફેઝ સલીમસાહબ વાંતરસવાલાએ તિલાવતે કુરાને પાકથી કરી હતી. ત્યાર બાદ ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના આદ્યંસ્થાપક અને હાલમાં જ અવસાન પામેલ મર્હુમ અબ્દુલ્લાહ કમાલ બાદશાહ ઉર્ફે “કદમ ટંકારવી” માટે દુઆએ મગફિરત ફરમાવી હતી. બાદમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું. એમના સવિસ્તાર પ્રવચનમાં ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. દ્વારા ટંકારીઆ ગામના વિકાસના કામોમાં યોગદાનની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે ગામના સાહિત્યકારો અંગે વિસ્તૃત પરિચય સાથે માહિતી આપી હતી. ત્યારપછી સમારંભના પ્રમુખ તરીકે “અદમ ટંકારવી” સાહેબની વરણી કરવામાં આવી હતી. બાદમાં ગામના આગેવાનો દ્વારા પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાદમાં પ્રાસંગિક ઉદબોધન જનાબ ઇસ્માઇલભાઈ ખૂણાવાલા [યુ.કે], ઈમ્તિયાઝ વરેડીયાવાળા ઉર્ફે ટંકારવી, સાહિત્યકાર અઝીઝ ટંકારવી, ઇકબાલ ધોરીવાલા, ડો. અદમ ટંકારવી અને સંપાદક નાસીરહુસેન લોટીયાએ પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. બાદમાં સમારંભના પ્રમુખ, ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના હાજર સભ્યો, અતિથિઓ, સંપાદક નાસીરહુસેન લોટીયા તેમજ ભાગ ૨ મૌખિક ઇતિહાસના સહસંપાદકો પૈકી મુસ્તાક સુલેમાન દૌલા, સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક આગેવાન અબ્દુલ્લાહ કામથી, અહમદભાઈ લોટીયાના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બાદમાં ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે., શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ, મોહસીને આઝમ મિશન દ્વારા સંપાદક નાસીરહુસેન લોટીયા, ભાગ ૨ મૌખિક ઇતિહાસના સહસંપાદકો મુસ્તાક સુલેમાન દૌલા, શકીલ અબ્દુલ્લાહ ભા ને સ્મૃતિ ચિન્હો અર્પણ કરવામાં આવ્યા હતા. યાકુબમાસ્તર ફરત તથા અમદાવાદથી આ કાર્યક્રમના આમંત્રણને માન આપી પધારેલા અમદાવાદથી ઈમ્તિયાઝ પટેલ દ્વારા સંપાદક નાસીરહુસેન લોટીયાનું શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. બાદમાં ટંકારીઆ ગામપંચાયતના સરપંચ તથા પંચાયતના સભ્યો દ્વારા ગામના તમામ સાહિત્યકારોને તથા ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. એમ.એ.એમ. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રમુખ દ્વારા પુસ્તકના સંપાદકને, ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ને સ્મૃતિચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું. કોવિડ મહામારીના સમયગાળા દરમ્યાન ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. અને તેના સભ્યો દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરી બદલ કોવિડ કેર સેન્ટર કમિટી ટંકારીઆ દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ એક યાદગાર મુશાયરાનું સંચાલન ડો. અદમ ટંકારવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુશાયરામાં અદમ ટંકારવી, અઝીઝ ટંકારવી, સુરતથી પધારેલ કવિ સંદીપભાઈ પુજારા તથા મયુર કોલડિયા અને ભાવનગરથી પધારેલા નિકુંજ ભટ્ટ, ‘દર્દ ટંકારવી’, નાસીરહુસેન લોટીયા, ‘યકીન ટંકારવી’, ઇકબાલ ઉઘરાતદાર, બાબર બમ્બુસરી જેવા કવિઓએ સુંદર કૃતિઓ દ્વારા સાહિત્યરસિક ટંકારીઆ ગામના લોકોને ડોલાવી તાળીઓ અને વાહ વાહ ના નાદોથી વાતાવરણને કવિમય કરી દીધું હતું. ઈમ્તિયાઝ વરેડીયાવાલાએ એમના આગવા અંદાજ અને સુમધુર આવાઝમાં કૃતિઓ રજુ કરી શ્રોતાગણોની દાદ મેળવી હતી. સાહિત્યરસિક કરણ ટેલરે પોતાના આગવા અંદાઝમાં કૃતિઓ રજુ કરી શ્રોતાજનોને ખડખડાટ હસાવ્યા હતા. શફીક ખાંધિયાએ પોતાના સુમધુર આવાઝમાં ઉર્દુ કૃતિ રજુ કરી મુશાયરો સંપન્ન થયો હતો. કવિ કલાપી એવોર્ડ વિજેતા ડો. અદમ ટંકારવીએ સમગ્ર મુશાયરાનું પોતાની આગવી શૈલીમાં સંચાલન કરી આ મુશાયરાને યાદગાર બનાવી એક આગવી છાપ ના દર્શન કરાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટીના ઉપપ્રમુખ હબીબ ભુતા, સભ્યો ઇકબાલ ધોરીવાલા, અય્યુબ ઉઘરાતદાર, અફરોઝ ખાંધિયા તથા એન.આર.આઈ. ઇસ્માઇલ ખૂણાવાલા, અયુબ મીયાંજી, મુબારક મીયાંજી, યુસુફ બાપુજી, સોયેબ ખોડા, ઇકબાલ ખોડા, ફૈઝલ બચ્ચા, અયુબ પોપટ, મહેબૂબ કડુજી, આણંદ પ્રેસના નિલેશભાઈ મેકવાન તથા તેમના ધર્મપત્ની, અમદાવાદથી પધારેલા મુસ્તાકભાઈ ઘોડીવાલા, સામાજિક આગેવાન ટંકારીઆ પુત્ર અબ્દુલ્લાહ કામઠી, દિલાવરભાઈ બચ્ચા, સરપંચ ઝાકીર ઉમતા, ઉપસરપંચ મુમતાઝબેન લાલન, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય મુસ્તુફા ખોડા, સામાજિક આગેવાન ઉસ્માન લાલન, ફારૂક વોરાસમનીવાળા, વલીભાઈ બાબરીયા તેમજ આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો, નવયુવાનો, વૃધ્ધો હાજર રહ્યા હતા.
આ પુસ્તકની ૭૦૦ કોપીનો ખર્ચ ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. દ્વારા કરવામાં આવ્યો હતો તથા બીજી ૭૭૦ કોપીઓ સમાજના દાનવીરોએ પોતાના સ્વખર્ચે છપાવી નિઃશુલ્ક વિતરણ કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર પુસ્તક વિમોચનના કાર્યક્રમનું સંચાલન ઈમ્તિયાઝ વરેડીયાવાલાએ તથા મુશાયરાનું સંચાલન ડો. અદમ ટંકારવીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ સદ્દામ દયાદરાવાળા, સાબિર લાલન, નઇમ બાબરીયાએ કર્યું હતુ…
યાકુબ પટેલ, પાલેજ