– ગુજરાતમાં એક એવા શિવમંદિર વિશે જ્યાં શિવ આરાધના માટે સમુદ્રદેવની પરવાનગી લેવી પડે છે
શિવ અને શક્તિના મિલનને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી આજે 18 ફેબ્રુઆરીએ છે. વિનાશના દેવતા શિવે આ દિવસે માતા પાર્વતીને તેમના શ્રેષ્ઠ અર્ધ તરીકે સ્વીકાર્યા હતા.
એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર પાણીનું માત્ર એક ટીપું અર્પિત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના અવસરને વિશેષ બનાવવા માટે ભરૂચ જિલ્લાના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર શિવ તીર્થ ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા હતા.
શિવલિંગ મોટેભાગે દરિયામાં જ સમાઈને રહે છે
કંબોઇ સ્તંભેશ્વર શિવતીર્થ ખાતે આજે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. કંબોઈના શીવતીર્થ ખાતે શિવલિંગ મોટેભાગે ભરતીમાં દરિયામાં જ સમાઈને રહે છે. ભરતી ઉતરે ત્યાં શિવભક્તો દર્શન કરી શકે છે. ભરુચના કંબોઇ તીર્થક્ષેત્ર ખાતે સમુદ્રદેવ દૂર ખસી ભક્તોને શિવજીની આરાધના માટે માર્ગ આપે છે. ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે આવેલ મંદિરમાં મોટાભાગના સમય શિવલિંગ સમુદ્રમાં સમાઈ જતું હોય છે. ભરતી ઉતર્યા બાદ શિવલિંગ તરફનો માર્ગ ખુલે છે અને ભરતી પરત ફરતા સુધીના સમયે ભક્તો શિવજીની પૂજા કરે છે. ભગવાન કાર્તિકેય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજાનું અનેરું માહાત્મ્ય છે.સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા કંબોઈ શિવતીર્થે શિવલિંગની પૂજાથી ભક્તોનું કલ્યાણ થતું હોવાની વર્ષો જૂની માન્યતા છે. આજે મોટી સંખ્યામાં શિવભક્તો કંબોઇ શિવતીર્થ ખાતે પહોંચ્યા હતા જેમણે શિવઆરાધના કરી ધન્યતા અનુભવી હતી.
“ગુપ્ત તિર્થ” તેમજ “સંગમ તિર્થ” તરીકે પણ ઓળખાયા
સ્તંભેશ્વર મહાદેવ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ (Bharuch) જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઇ ગામ ખાતે આવેલું પૌરાણીક તિર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીનાં દર્શન કરવા દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ “ગુપ્ત તિર્થ” તેમ જ “સંગમ તિર્થ” તરીકે પણ ઓળખાય છે.
કથા પ્રમાણે તારકાસુરે તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભોળનાથ પાસે તેણે વરદાન માગ્યું કે 6 દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહીં. તારકાસુરની કનડગત વધતાં દેવો અને ઋષિઓને હેરાન-પરેશાન થઈ ગયા હતા. તમામ દેવોએ ભગવાન શિવજીને કહ્યું કે મહાદેવ અમારી તારકાસુરથી રક્ષા કરો ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય તારકાસુરનો સંહાર કરશે. ત્યારબાદ બાળકાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો હતો.