ભરૂચ તાલુકાના સીતપોણ શાળામાં મૌલાના આઝાદ મેમોરિયલ હાયર- સેકન્ડરી સ્કુલના ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ, નિવૃત્ત થયેલ આચાર્યા તલાટી નસીમાબેન ઈબ્રાહિમભાઈનો સન્માન સમારંભ અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના ઈનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ રંગે-ચંગે કરવામાં આવી હતી. ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૧૦ અને ૧૨ના વિધાર્થીઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર, વાર્તાકાર, ગઝલકાર, પત્રકાર તથા જેમની નસેનસમાં સમાજ તથા દેશનું હિત વસેલું છે એવા સામાજિક કાર્યકર અઝીઝ ટંકારવી અતિથિ વિશેષ તરીકે અને આસપાસની શાળાઓના આચાર્યો, મોટી સંખ્યામા વિદેશથી પધારેલ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના ઇન્ચાર્જ આચાર્ય અબ્દુલ હમીદ સાહેબે કર્યું હતું. શાળાના હાયર સેકન્ડરી સ્કૂલના કોમર્સ શિક્ષક આસીફ પટેલે શાળા પરિચય અને સંસ્થા અહેવાલ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ધોરણ ૯ થી ૧૨ મા ઉમદા દેખાવ કરી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા તરફથી અને મહેમાનો તરફથી ખૂબ જ સારી એવી માતબર રકમ પ્રોત્સાહનરૂપે ઇનામ તરીકે આપવામાં આવી હતી. સાથે સાથે શાળામા સતત ૨૪ વર્ષથી આચાર્યા તરીકેની સેવા બજાવી વય નિવૃત્ત થનાર તલાટી નસીમાબેન ઈબ્રાહિમભાઈનું ધી સીતપોણ સુપ્રિમ વેલફેર ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ મુહંમદશફી અબ્દુલ્લાહ પટેલ સાહેબે ફૂલહાર કરી શાલ ઓઢાડી, મોમેન્ટો આપી તથા ‘સન્માન પત્ર’ અર્પણ કરી શાળા પરિવાર વતી બહુમાન કર્યું હતુ.
સન્માન પત્રનું વાંચન ટ્રસ્ટબોર્ડના સેક્રેટરી અબ્દુલહક સાહેબે કર્યુ હતું. શાળા-સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો તરફથી નસીમાં બહેનને સોનાની વીંટી સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન અઝીઝ સાહેબ તથા અન્ય હાજરજનો એ વિધાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી ભાવિ ઉજજવળ બને અને નસીમા બહેનને નિવૃત્ત જીવનમાં અલ્લાહપાક તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એવી શુભકામનાઓ પાઠવી હતી. ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી એ નસીમાબહેનની કામગીરીને બિરદાવી હતી આભારવિધિ મ.શિ. અલ્તાફ બંગલાવાલાએ કરી હતી, અને સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન મ.શિ જુનેદ અમેરિકન અને આસીફ પટેલે કર્યું હતુ. કાર્યક્રમના અંતે સૌએ સામૂહિક ભોજન લઈ વિદાય લીધી હતી.
યાકુબ પટેલ, પાલેજ