ભારતની સંગીત નાટક અકાદમી દ્વારા પ્રતિ વર્ષ ૪૦ વર્ષથી નાની વયનાં કલાકારો માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. કલ્ચરલ મિનિસ્ટરી ઑફ ઈન્ડિયા અંતર્ગત અપાતા એવોર્ડ્સમાં ૨૦૨૧ માં પુરસ્કાર માટે ભારતીય શાસ્ત્રીય ગાયન માટે ભારતભરમાંથી ભરુચ સ્થિત કિરાના ઘરાનાનાં ગાયિકા ડૉ. જાનકી મીઠાઈવાલાની પસંદગી કરવામાં આવી હતી. આ સમારોહ તારીખ ૧૫ ફેબ્રુઆરીનાં રોજ દિલ્હી ખાતે યોજનામાં આવ્યો હતો, જેમાં ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ નાં પુરસ્કારોનું વિતરણ કરાયું.
આ સમારંભમાંમાં સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી જી કે રેડ્ડીના હસ્તે અને સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો સંધ્યા પુરેચાની ઉપસ્થિતિમાં પુરસ્કાર વિતરણ કરાયું. જાનકી બહેને ભરુચને આ અવૉર્ડ અપાવી પંડિત ઑમકારનાથજીની ભૂમિને ફરીવાર સાંગિતિક ક્ષેત્રે સન્માન પ્રાપ્ત કપાવ્યું છે. કલ્ચરલ મિનિસ્ટર જી કે રેડ્ડી એ આજે ઘોષણા કરી છે કે સરકાર આવાં કલાકારો માટે અવનવી તકો ઊભી કરવા માંગે છે અને એ દિશામાં ચોક્કસ કામ કરશે. સાથે કૉર્પોરેટ્સ ને પણ સ્પૉર્ટ્સ કોટાની જેમ કલાકારો માટે કોટા ફાળવવા માટે અરજી કરી છે.
ડૉ. જાનકીબેન મીઠાઈવાલા ભરૂચમાં ૨૦૧૩ થી કાર્યરત છે. તેમણે ભરુચને સંગીતનાં શિક્ષણ માટે અંતઃસ્વર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મ્યુઝિકની ભેટ આપી છે. એ અંતર્ગત તેઓ ઉગતા કલાકારો માટે સંગીત શિક્ષણ સાથે પરફોર્મન્સની તકો ઊભી કરે છે.
વર્ષ ૨૦૨૧ ના અવોર્ડી કલાકારો પૈકી ગુજરાતના એકમાત્ર કલાકારને એનાયત થયેલ આ એવોર્ડ ભરૂચનાં આંગણે પહોંચાડીને ડૉ. જાનકી બેન મીઠાઈવાલા એ ભરૂચને ગૌરવ અપાવ્યું છે.