ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર રીતે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે લાલાઆંખ કરી છે, જિલ્લામાં અનેક સ્થળેથી વ્યાજખોરોના ભોગ બનેલ લોકોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અનેક વ્યાજ ખોરોની ધરપકડ કરી તેઓને જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક વ્યાજ ખોર સરકારી કર્મચારી વિરુદ્ધમાં એસ. ઓ. જી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભરૂચ એસ. ઓ. જી પોલીસને એક અરજી મળી હતી કે એક ઈસમ સરકારી કર્મચારી હોવા છતા અને વ્યાજે નાણા ધીરધાર કરવા અંગેનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતા ફરિયાદી કમલેશભાઈ રણછોડભાઈ પરમાર નાઓ તથા બીજા અન્ય લોકોને ઊંચા 10% ના વ્યાજદરે ગેરકાયદેસર ધિરાણ કરી તેની અવેજમાં સિક્યુરિટી પેટે સહીવાળા કોરા ચેકો મેળવી વ્યાજ સહિતના નાણા વસુલ કર્યા બાદ સિક્યુરિટી પેટે મેળવેલ ચેકોમાં અલગ અલગ રકમો ભરી જેતે બેન્કમાં નાખી ચેક બાઉન્સ કરાવી ભરૂચ કોર્ટમાં આશરે 20 થી વધુ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
સરકારી કર્મચારી સુરેશભાઈ અંબાલાલ પટેલ રહે, આલી મુંડા ફળિયું, ભરૂચ નાઓ ધાક ધમકી આપી બળજબરીપૂર્વક વધુ નાણા કઢાવી લેવાનો ગુનો કરતા હોય એસ. ઓ. જી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.