આવનાર તા.૧૮-૨-૨૩ ને શનિવારના રોજ બમ બમ ભોલેના પર્વ એવા મહાશિવરાત્રિનો પર્વ હોવાના પગલે અત્યારથી જ સમગ્ર ભરૂચ પંથકમાં ભોલે મહાદેવના પર્વ મહાશિવરાત્રીની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભરૂચ પંથકમાં દરેક મહાદેવના મંદિરો ખાતે તેમજ અન્ય મંદિરો ખાતે પણ શિવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભરૂચ પંથકમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ, ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ આવેલ પ્રસિધ્ધ મહાદેવના મંદિર તેમજ શુક્લતીર્થ અને કડોદ ગામના પ્રાચીન અને પ્રસિધ્ધ મંદિરો ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ખુબ ભવ્યતાથી કરવામાં આવનાર છે જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભરૂચ પંથકમાં સૌથી વધુ મહાદેવના મંદિર આવેલ છે ત્યારે આ મહાદેવના મંદિરોના પ્રાંગણમાં અત્યારથી જ મંડપો તૈયાર કરી દેવાયા છે જ્યાં શનિવાર તા.૧૮ મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. ભરૂચના ભગતસિંહ સત્સંગ કેન્દ્ર બહાદુર બુરજ સોની ફળીયા યુવક મંડળના ઉપક્રમે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શોભાયાત્રાની વિગત અને રૂટ જોતા તા.૧૮ મી ફેબ્રુઆરી શનિવારના બપોરના ૪ કલાકે શોભાયાત્રા બહાદુર બુરજથી હાજીખાના બજાર, સોનેરી મહેલ, લલ્લુભાઈ ચકલા, નવાડેરા લઈ પરત હાથીખાના બહાદુર બુરજ ખાતે પહોંચશે. શિવરાત્રિના દિવસે મહાદેવની આરતી સાંજે ૭.૧૫ કલાકે કરવામાં આવશે તેમજ પસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે . આ ઉપરાંત ભરૂચ તાલુકાના અને જિલ્લાના લગભગ તમામ ગામેગામ મહાદેવના મંદિરો ખાતે ખાસ શિવરાત્રી પર્વની ઉજવણી અંગે આગવુ આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. ભગવાન ભોલેની ભકિતના અનેક પ્રકારો હોય છે ભગવાન ભોલે સાથે સંકળાયેલ અને મહિમા ધરાવતી એવી ભસ્મ આરતીનું પણ આયોજન ભરૂચ જિલ્લાના વિવિધ મહાદેવના મંદિરો ખાતે કરવામાં આવેલ છે. તેમજ વિવિઘ પ્રવાહી વડે ભગવાન ભોલેનું અભિષેક કરવામાં આવશે. આ અભિષેક માટે ખુબ મોટી સંખ્યામાં ભકતજનોએ પોતાના નામ લખાવ્યા હોવાના પગલે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી અભિષેકના કાર્યક્રમો ચાલશે એમ જણાય રહ્યું છે.