ભરૂચ ખાતે તાજેતરમાં જ વ્યાજખોરો સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી અનેક વ્યાજખોરોને જેલનાં સળિયા ગણતા કર્યા છે, તો બીજી તરફ હજુ પણ શહેરમાં વ્યાજખોરીનું દુષણ ધમધમી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં પણ એક ટીકા ધારી મોપેડ પર ફરતા વ્યક્તિની સંડોવણી સામે ચર્ચાઈ રહી છે જે દારૂનાં વેપલાનાં ધંધા સાથે સાથે વ્યાજખોરીનું દુષણ પણ શહેરમાં બિન્દાસ ચલાવી રહ્યું હોવાનું કહેવાય છે.
ભરૂચ આ શક્તિનાથ, જુના બસ ડેપો વિસ્તાર, સ્ટેશન રોડ સહિતનાં વિસ્તારમાં ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ એક ટીકા ધારી મોપેડ જેવી ગાડી લઈ ફરતા ઈસમ દ્વારા આપવામાં આવ્યા છે, અને જો વ્યાજનાં નાણાં આ ગરીબ લારી ધારકો આપવામાં થોડી પણ ઢીલાશ દાખવે તો તેઓને આ માથાભારે ઈસમ દ્વારા ધાક ધમકીઓ પણ અપાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વ્યાજનાં ચક્રવ્યુમાં ફસાયેલાં આ ગરીબ લારી ધારકો વ્યાજ ધીરનાર ઈસમ માથા ભારે હોય જેની સામે ફરિયાદ કરતા ડરી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, તેવામાં આ વિસ્તારમાં આવેલ લારી ધારકો માટે પણ પોલીસ એક લોકદરબાર યોજી તેઓનાં મનમાંથી આ પ્રકારનાં માથાભારે તત્વોનું દર દૂર કરી તપાસ કરવામાં આવે તો અનેક ફરિયાદો સામે આવી શકે તેમ છે તેમજ ખરા અર્થમાં વ્યાજનાં દુષણને શહેરમાંથી ડામવામાં સફળતા પણ પ્રાપ્ત થઈ શકે તેમ જાગૃત નાગરિકો માની રહ્યા છે.
– દારૂના ધંધાનાં પૈસા વ્યાજમાં ફેરવતા બુટલેગરો
ભરૂચમાં બુટલેગરોનાં વ્યાજનાં પૈસા ગરીબ લારી ધારકો અને નાનો વેપાર કરતા લોકો સુધી લાલચ આપી પહોંચવામાં આવી રહ્યા છે અને નાણાંનું ધિરાણ કર્યા બાદ તગડી રકમ પણ વસુલ કરવામાં આવતી હોવાની બુમ ઉઠી છે અને જો એ રકમ ન ભરપાઈ કરે તો કોરા ચેક બેન્કમાં નાખવા તેમજ જાનથી મારી નાંખવા જેવી ધમકીઓ પણ અપાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
– આખરે લારી ધારકો વચ્ચે મોપેડ લઈ ફરતો ટીકા ધારી ઈસમ કોણ..?
લારી ધારકોને ઊંચા વ્યાજ દરે નાણાં ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરતો આ વ્યાજ ખોર ટીકા ધારી ઈસમનાં કારનામા પોલીસ વિભાગે વ્યાજખોરો સામે લાલઆંખ કર્યા બાદથી સામે આવ્યા છે જે બાદ પણ આ ઈસમ દ્વારા પોતાના વ્યાજનાં ચક્રવ્યુમાં ફસાયેલ ગરીબ માણસોને પોતાની સામે ફરિયાદ કરી તો પરિણામ ભોગવવું પડશે જેવી ધમકીઓ પણ અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.