ભરૂચ પાલિકાએ મિલ્કતવેરાના 4 હજાર બાકીદારો સામે નોટીસની ગાજ વરસાવી છે. લેણી નીકળતી રૂ.21.93 કરોડ સામે અત્યાર સુધી 14 કરોડની થયેલી વેરા વસુલાત 31 માર્ચ સુધીમાં બાકીવેરો ભરી વ્યાજ અને દંડ માફીની પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા અપીલ સાથે જ જૂન સુધીમાં એડવાન્સ વેરો ભરી 20 થી 25 ટકા રાહત મેળવવા નગરજનોને અનુરોધ કરાયો.
ભરૂચ પાલિકા દ્વારા નાણાંકીય વર્ષની પૂર્ણતાને લઇ મિલકતવેરા બાકી ધારકોને નોટિસોની બજવણી કરાઈ છે. 31 માર્ચ સુધીમાં બાકી મિલકત વેરો ભરી વ્યાજ અને દંડ માફીની યોજનાનો લાભ લેવા સૂચન કરાયું છે.
ભરૂચ નગરપાલિકામાં 67 હજાર જેટલા મિલકત ધારકો નોંધાયેલા છે. જે પૈકી વર્ષોથી વેરો બાકી હોય તેવા 4 હજાર બાકી વેરા ધારકોને નોટિસો ફટકારાઈ છે. જો તેવો બાકી વેરો નહિ ભરે તો આગામી સમયમાં મિલકતોને સિલિંગ અને હરાજીની પ્રક્રિયા પણ હાથ ધરાશે તેવી તાકીદ કરાઈ છે.
દરમિયાન પાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ સરકારની પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. જે બાકી મિલ્કતધારકો 31 માર્ચ સુધીમાં તેમનો બાકી વેરો ભરી દેશે તેમને વ્યાજ અને દંડ માફીનો લાભ મળશે. એવી જ રીતે 30 જૂન સુધીમાં એડવાન્સ ટેક્ષ ભરનારને પાલિકાના કેશ કાઉન્ટર ઉપર વેરો ભરશે તો 20 ટકા અને ઓનલાઈન ભરશે તો 25 ટકા વેરામાં વળતર અપાશે.
પાલિકાના વેરાની કુલ 21 કરોડ 93 લાખની રકમ મિલકત ધારકો પાસે લેણી નીકળે છે. જેમાં અત્યાર સુધી 14 કરોડની રકમ વેરા સ્વરૂપે આવી છે. જ્યારે 5.33 કરોડ જૂની બાકી બોલે છે.