ભરૂચ નગરમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલથી મહંમદપુરા સુધીનો ઓવરબ્રિજ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજ બનવાનો છે તે બે બ્રિજ અંગેની કામગીરી શરૂ થાય તે પહેલા ભરૂચ પંથકમાં લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક રસ્તાની આગોતરી વ્યવસ્થા કરવા માટે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો જેમાં વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ, સલિમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને ઇબ્રાહિમ કલકલ એ આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે કોંગ્રેસ સદા ભરૂચ નગરનાં વિકાસમાં તંત્રને સાથ અને સહકાર આપતો રહ્યો છે અને આપતો રહેશે. પરંતુ સેંટ ઝેવિયર્સ સ્કૂલથી મહંમદપુરા અને બંબાખાના સુધીના ફલાય ઓવરબ્રિજ અને શ્રવણ ચોકડી વિસ્તારના ફલાય ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થનાર છે ત્યારે આ બાંધકામ શરૂ થાય તે પહેલા વૈકલ્પિક માર્ગની સુવિધા તંત્ર દ્વારા ચકાસી લેવી જરૂરી છે અન્યથા ભરૂચ નગરના લોકોને કારમી અને વિકટ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. આવેદનપત્રમાં એમ પણ જણાવ્યુ છે કે શક્તિનાથ સર્કલ જે.બી. મોદી પાર્કથી શેરપૂરા જવાનો રસ્તાનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ તરીકે કરવો જરૂરી છે જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે. અત્રે નોંધવું રહ્યું કે આ બંને ફલાય ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થયા બાદ ત્રણથી ચાર વર્ષ બાદ બાંધકામ પૂર્ણ થશે ત્યાં સુધી લોકોને વૈકલ્પિક માર્ગની સુવિધા મળી રહે તે અત્યંત જરૂરી છે. વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદે ભરૂચ જિલ્લા કલેકટરને વૈકલ્પિક માર્ગનો નકશો બતાવી વિશેષ ચર્ચા વિચારણા કરી હતી.
ભરૂચમાં ફલાયઓવર બ્રિજના કામકાજના સમયે વૈકલ્પિક માર્ગ અંગે વિપક્ષની માંગ
Advertisement