દેશના રાજકારણમાં હાલ અદાણી જૂથ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને વિપક્ષી દળ અદાણી જૂથને ઘેરવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે, અદાણી જૂથમાં દેશની એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી રોકાણોના વિરોધ કરવામાં આવી રહ્યા છે.
આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં સ્ટેશન રોડ પર આવેલ “સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા” ની જિલ્લા પંચાયતની ઓફીસ સામે જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શનનો યોજ્યા હતા તેમજ અદાણી જૂથ સામે બાયો ચઢાવી આ જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના જોખમી રોકાણની ટીકા કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને હાથમા બેનરો પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કર્યા હતા, જે દરમ્યાન પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમ્યાન પાંચબત્તી માર્ગથી સ્ટેશન માર્ગ પર દર્દીને લઈ પસાર થઈ રહેલ 108 ઈમરજન્સી એમ્બુલન્સ ભારે ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે ફસાઈ જતા વિરોધ કરી રહેલ કોંગ્રેસનો કાર્યક્રમ લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.