ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના પરિવારો માટે પોતાના સંતાનોના લગ્ન કરવા ખૂબ કપરૂ થઈ ગયું છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોની વ્હારે આવી સેવાભાવી કાર્ય કરી રહી છે. જે અન્યો માટે પ્રેરણાદાયી સાબિત થવા પામી છે. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ૧૨ યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ નવ સંસારનો પ્રારંભ કર્યો હતો.
સૈયદ અસગર અલી બાવા સાહેબ, પાટણવાળા બાવા સાહેબ તથા સાદાતે કિરામની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. સૈયદ સાદાતોએ ભાગ્યશાળી નવ યુગલોને મુબારક બાદી પાઠવી હતી. નવ યુગલોનું લગ્ન જીવન સુખમય અને સફળ નિવડે એ માટે દુઆ ગુજારી હતી. ૧૨ યુગલોને સખી દાતાઓ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. ઝંઘાર ગામના આગેવાનો તેમજ યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. દુલ્હનનોને તેઓના સ્વજનોએ જ્યારે સજળ નયનોએ વિદાય આપી ત્યારે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.
આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોમાં સાદાત મેહમાન તરીકે હઝરત સૈયદ એહમદ બાવા ટંકારિયા તથા હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસ્બાહી ભરૂચ અને હઝરત સૈયદ અસગર અલી બાવા સામરી તેમજ ખૂસૂસિ ઉલમાં મેહમાન તરીકે હઝરત મુફ્તી મોહસીન મિસ્બાહી (સદર મુફ્તી ભરૂચ) તથા હઝરત મૌલાના સાદિક હસન સાબરી (મુદરરિસ દારૂલ ઉલુમ દયાદરા), હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર તથા મિસ્બાહી મિશન ભરૂચના જીમ્મેદારો પૈકી જનાબ તોસિફ ભાઈ પટેલ તેમજ વિદેશથી પધારેલ ઝંગાર ગામના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ