ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ વર્ષ 2023 ની પ્રથમ સામાન્ય સભા મળી હતી, સભાની શરૂઆતથી જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શહેરની સ્ટ્રીટ લાઈટ બંધ થવા મુદ્દે સહિતના અન્ય મુદ્દાઓને લઈ ચકમક સર્જાઈ હતી, પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અઘ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં મોટાભાગના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય સભામાં મુકવામાં આવેલ એજન્ડામાં કુલ 34 જેટલા કામોને નિકાલ કરવા માટે મુકવામાં આવ્યા હતા, સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની મિનિટ્સ મંજુર કરવાથી લઈ એકાઉન્ટ શાખાના 3 કામો, ફાયર એન્ડ મોટર ગેરેજના 5 કામો, પ. વ. ડી શાખાના 2 કામો, કોમ્પ્યુટર શાખાના 2 કામો, મહેકમ શાખાના 4 કામો, સીટી ઈજનેર શાખાને લગતા 6 મહત્વપૂર્ણ કામો જેમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલથી મહંમદ પુરા સર્કલ સુધી તથા મહંમદપુરા સર્કલથી બંબા ખાના દહેજ તરફ જતા ફ્લાય ઓવરબ્રિજના કામમાં જમીનો /મિલ્કતો સમજૂતી કરારથી સંપાદન કરાવવા જેવી બાબત પર પણ સભામાં મહત્વની ચર્ચાઓ કરાઈ હતી.
સાથે સાથે સામાન્ય સભામાં સ્ટોર શાખાના 4 વોટર વર્કસ શાખાના 6 તેમજ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજના કામને લગતા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, આમ આજરોજ મળેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે વિવિધ વિકાસના કાર્યો મુદ્દે ચર્ચાઓ જામી હતી, તો વિપક્ષના સભ્યોએ પાલિકાનું શાસન વર્તમાન સમયમાં તમામ બાબતે નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.