ભરૂચ શહેરની પ્રજા 3 દિવસથી 3000 થી વધુ સ્ટ્રીટલાઈટોના જોડાણો કપાતા અંધારા ઉલેચી રહી છે ત્યારે આજે સોમવારે પાલિકા ખુલતા જ વિપક્ષ કોંગ્રેસે ગાંધીગીરી કરી હતી.
પાલિકા કચેરી ખાતે વિપક્ષના સભ્યોએ ગાંધી નિર્વાણ દિવસે પાલિકા પ્રમુખને કાળું ગુલાબ આપી શહેરીજનોને અંધારાની ભેટ આપવા બદલ અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ પાલિકા ખાતે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૌયદે આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભાની તમામ પાંચ બેઠક જીતી ભાજપની ડબલ એન્જીન સરકારે ભરૂચની પ્રજાને બ્લેક આઉટની ભેટ આપી છે.
ભાજપનો વહીવટ ખાડે ગયો છે. વીજ કંપનીનું 6 કરોડ ઉપરાંતનું બિલ નહિ ભરપાઇ કરતા 80 મીટર ઉપર આવેલી 3000 થી વધુ સ્ટ્રીટ લાઈટ વીજ કંપનીએ કાપી નાંખી છે. ત્યારે આજે પાલિકા પ્રમુખને પ્રજા વીતી બ્લેક આઉટમાં રાખવા બદલ કાળા ગુલાબ આપી ગાંધીગીરી કરાઈ છે.
શહેરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટો 3 દિવસથી બંધ રહેતા લગ્નસરામાં પ્રજા અંધારા ઉલેચી રહી છે. ચોરી, અકસ્માત, શ્વાન કરડવા સહિતની દહેશત વર્તાય રહી છે. આજે સોમવારે પાલિકા ખુલતા મુખ્ય અધિકારી પણ ગેરહાજર હોવાથી વિરોધ પક્ષે રોષ વ્યકત કર્યો હતો.
પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિપક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. આ ટેક્નિકલ ઇસ્યુના કારણે થયું છે. શરત ચૂક કરનાર પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી થશે. આજે સાંજે કે કાલ સુધીમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ જશે. અમે વીજ કંપનીમાં 15 લાખ ભરી દીધા છે. ત્રણ દિવસ રજાઓ આવી જતા આ સ્થિતિ ઉદભવી છે. એક કરોડ જેટલું જ બિલ બાકી છે જે અંગે કાર્યવાહી થઈ રહી છે.