નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સરકારી ગ્રાન્ટમાંથી રસ્તાની બાજુમાં બ્લોક નાખવાનું કામ મંજુર થયા બાદ બારોબાર ગુણવત્તા વિનાના બ્લોક ખાનગી માલિકીની જગ્યામાં નાખવા સામે ઉભો થયેલો વિવાદ વધુ ઘેરાયો છે. તાલુકા વિકાસ અધિકારીએ કામ અટકાવતા ખુદ ભાજપના જ આગેવાનો સરકારની ગ્રાન્ટના બ્લોક રસ્તાની બાજુમાં નાખવાના સ્થાને આમ આદમી પાર્ટીના કાર્યકરની ખાનગી માલિકીની જગ્યામાં નંખાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે.
કેલ્વીકુવા ગામે સરકારની ગ્રાન્ટમાંથી રસ્તાની બાજુમાં બ્લોક નાખવાના કામને મંજૂરી મળી હતી. બ્લોકનું કામ શરૂ થતાં જ ગુણવત્તાને લઈને ગામના જાગૃત નાગરિકે વાંધો ઉઠાવી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતું જેના પગલે ટીડીઓએ તત્કાલ તલાટીને સૂચના આપી કામ બંધ કરાવ્યુ હતું. કામ બંધ કરાવતા જ ભ્રષ્ટચારનો પોપડો સપાટી પર આવ્યો હતો. જેમાં સરકારી ગ્રાન્ટના બ્લોક આમ આદમી પાર્ટીના એક આગેવાનની ખાનગી માલિકીના ઘરની જગ્યામાં નાખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારીએ કામ બંધ કરાવવા છતાં તેમના હુકમની અવગણના કરી બે દિવસ પહેલા ફરી કામ શરૂ કરાતા મામલો વધુ ગરમાયો હતો. પોતાના હુકમની અવગણના થતા ટીડીઓ પણ લાલઘૂમ બન્યા હતા. તેમને બીજી વખત તલાટીની સૂચના આપી કામ પુનઃ બંધ કરાવ્યું હતું. જેના પગલે ભાજપના આગેવાનોએ આમઆદમી પાર્ટીની તરફેણમાં રહી બ્લોક બેસાડવા એડીચોટીનું જોર લગાવતા ભાજપની ઈજ્જતના લીરેલીરા ઉડયા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકારી ગ્રાન્ટના બ્લોક નાખવામાં કૌભાંડ કરનાર સામે સરકારી તંત્ર કડક હાથે પગલાં લેશે કે પછી બધું ઠેરના ઠેર !
ઝઘડિયાના ધરાસભ્ય રિતેશ વસાવા ભ્રષ્ટાચાર ની તરફેણમાં કે વિરુદ્ધમાં ?
કેલ્વીકુવા ગામનો બ્લોક નાખવાના કૌભાંડનો વિવાદ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સુધી પહોંચ્યો છે. જેમાં એક અહેવાલ મુજબ રિતેશ વસાવાએ વિરોધ ઉઠાવનાર અને કૌભાંડ કરનાર બન્નેને બોલાવી મળી હમજી કામ કરવા જણાવતા ખુદ ધારાસભ્યના વલણ સામે પ્રશ્ન ઉભો થયો છે. ધારાસભ્યના કહ્યા બાદ ટીડીઓની મંજૂરી લીધા વિના જ બારોબાર કામ ફરી શરૂ કરતા જાગૃત નાગરિકે ફરી વિરોધ ઉઠાવ્યો હતો. હવે સોમવારે ધારાસભ્ય રિતેશ વસાવા જાતે કેલ્વીકુવા ગામ જવાના છે તેવા અહેવાલ મળી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે ભાજપના ધારાસભ્ય ભ્રષ્ટચારની સામે રહે છે કે પછી ભ્રષ્ટચારની સાથે રહે છે.
ભાજપના મહિલા આગેવાનનો વિડીયો વાયરલ
ભાજપના એક મહિલા આગેવાન બ્લોક વિવાદમાં આમઆદમી પાર્ટીના આગેવાનની તરફેણમાં કેલ્વીકુવા ગામ પહોંચ્યા હતા. જેમણે જાતે બ્લોક બનાવવાના કામમાં ભૂલ થઈ હોય તો બ્લોકની ગુણવત્તા ઓછી હોય તેવું ખુદ ધારાસભ્યએ કહ્યું હોવાનું ગાણું ગાઈ ધારાસભ્યએ જ બ્લોક નાખવાનું કહેતા કોઈને આ કામ અટકાવવાનો અધિકાર નથી તેવું કહેતો વિડીયો વાયરલ થયો છે. જેને લઈ ભાજપની ભ્રષ્ટચારના ભ્રષ્ટચાર મુક્ત શાસન સામે પ્રશ્ન ઉભા થયા છે.
ખાનગી જગ્યામાં બ્લોક નખાયા તો મામલો મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી જાય તેવી સંભાવના
કેલ્વીકુવા ગામમા સરકારી ગ્રાન્ટના બ્લોક હલકી ગુણવત્તાના હોવાના વિવાદમાં ખાનગી માલિકીની જગ્યામાં બ્લોક નખાતા હોવાનું બહાર આવતા સ્થાનિક ભાજપના આગેવાનો પણ હવે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરી મામલો રફે દફે કરવા મેદાનમાં આવ્યા છે. જેના આમ જનતામાં ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. ત્યારે જો સરકારી ગ્રાન્ટના બ્લોક આમઆદમી પાર્ટીના આગેવાનના ખાનગી માલિકીની જગ્યામાં નખાય તો મામલો મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી પહોંચે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે.