ભરૂચ શહેરમાં 200 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘ મેળામાં મંગળવારે છડી નોમના દિવસે ભોઇ સમાજના 90 જેટલા છડીદારોએ વારાફરતી 145 કીલો વજનની અને 30 ફૂટ ઉંચાઇની માતા બાછલના પ્રતિક સમાજ છડીને પાંચ કલાક સુધી ઝુલાવી હતી. ઝૂલતી છડીને જોવા માટે ભોઇવાડમાં આવેલા ઘોઘારાવના મંદિરના ચોકમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આજે બુધવારે બે છડીનું મિલન થશે અને ત્યારબાદ મેઘરાજાની માટીમાંથી બનાવેલી પ્રતિમાનું નર્મદા મૈયાના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવશે.
ભુગૃઋુષિની પાવનધરા ભરૂચ તેના પરંપરાગત તહેવારો માટે પણ જાણીતી છે. ભરૂચ શહેરમાં 200 વર્ષ ઉપરાંતથી મેઘરાજાનો મેળો ભરાતો આવે છે. આ ઉપરાંત મોટો ભોઈવાડ, ખારવાવાડ તથા લાલબજાર હરીજન વાસમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરમાં દર વર્ષે શ્રાવણવદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી છડી તહેવાર ઉજવવામાં આવે છે. છડી નોમના દિવસ ઘોઘારાવ મહારાજનો પ્રાગટય દિવસ છે. શ્રાવણ વદ સાતમને દિવસે જ્યોતના સ્વરૂપે સ્થાપના કરવા માં આવે છે. સાતમથી દસમ સુધી અખંડ જ્યોત પ્રગટતી રહે છે.
જ્યોતના સ્વરૂપે ઘોઘારાવને યાદ કરવામાં આવે છે. મંગળવારે ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા છડી નોમની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ભોઇવાડમાં આવેલા ઘોઘારાવ મંદિરના ચોકમાં માતા બાછલના પ્રતિક સમાન છડીને ઝુલાવવામાં આવી હતી. 30 ફૂટ ઉંચી વાંસમાંથી બનેલી છડીનું વજન 145 કીલો જેટલું હોય છે. છડીની ઉપરના ચમરને નેતરના લાકડામાંથી બનાવવામાં આવે છે. મંગળવારે ઘોઘારાવ મંદિરના ચોકમાં 90 જેટલા છડીદારોએ વારાફરતી છડીને પાંચ કલાક સુધી ઝુલાવી હતી. આજે બુધવારે ભોઇ સમાજની બંને છડીઓનું મિલન થશે. ઝૂલતી છડીને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
વિવિધ પ્રકારે છડીને ઝૂલાવવાની પરંપરા
ભરૂચમાં ઉજવાતા છડી મહોત્સવમાં છડીને વિવિધ પ્રકારે ઝૂલાવવાની પરંપરા છે. ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજના યુવાનોને છડીદાર તરીકે તૈયાર કરવામાં આવે છે. વિશેષ પોષાકમાં સજજ છડીદાર યુવાનો એક હાથમાં, બે હાથમાં કમરમાં, ખભા પર મુકીને 145 કીલો વજનની છડીને ઝુલાવતા હોય છે. છડીને નિયંત્રણમાં રાખવાની તેમની કળા પર શ્રધ્ધાળુઓ આફરીન પોકારી જતાં હોય છે.
વરસાદી માહોલમાં સોનેરી મહેલથી ભોઇવાડ સુધી હૈયે હૈયુ દળાયું
ભરૂચ શહેરમાં ભરાતા ચાર દિવસીય મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. પાંચબત્તીથી ભોઇવાડ સુધીના એક કીલોમીટરના માર્ગ પર હૈયે હૈ્યુ દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી હતી. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પણ શ્રધ્ધાળુઓને આસ્થા અને ભકિત અખંડ રહી હતી.
ભોઇ સમાજના માતા બાછલના પ્રતિક સમાન છડીને ઝૂલતી જોવા માનવ મહેરામણ ઉમટ્યું
ભરૂચ શહેરના પૈરાણીક ગોગારાવ મંદિરના ચોકમાં છડી ઝુલાવી રહેલા ભોય સમાજના છડીદારો તથા તેને જોવા ઉમટી પડેલી માનવમેદની તસવીરમાં જોઈ શકાય છે. તસવીર-રાજેશ પેઈન્ટર
ઘોઘારાવ મહારાજના શિષ્યો ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા પણ છડી બનાવાય છે..
આજે બુધવારે ભોઇ સમાજની બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે .. Courtesy DB