ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ નેશન ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટની થિમ અંર્તગત રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતીની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો હતો.
રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, ભરૂચની પાવન નગરીનો આજે જન્મદીન છે, યોગાનુયોગ વસંતપંચમીના પર્વ સાથે આપણો રાષ્ટ્રીય પર્વ પણ છે. ત્યારે ત્રિવેણી સંગમના આ શુભદીને ભૃગુઋષિએ વસાવેલી ભરૂચની ધરતીના પનોતા પુત્ર સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ, કનૈયાલાલ મુનશીને યાદ કરી પાવન ધરાને વંદન કર્યા હતાં. પવિત્ર ધરા પરથી આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરી ઉમેર્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ આપણો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશવાશીઓ માટે ગર્વની વાત છે કે, આપણે જી ૨૦ ના સમિટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સમિટ થકી દેશમાં વિદેશી હૂંડિયામણ આવશે તથા યુવાનોને રોજગારી અવસર મળશે તેમ મંત્રીએ જણાવ્યુ હતું. આ પ્રસંગે, મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ નેતૃત્વ કારણે કોવિડની મહામારીમાંથી દેશ સલામત રીતે બહાર આવ્યો છે. વધુમાં,આ મહામારીમાં દેશના નાગરિકો ભૂખ્યા ન રહે તે માટે મફત અનાજની વિતરણ કરીને છેવાડાના માનવીની દરકાર કરી હતી. વધુમાં મંત્રીએ ઉમેરતા કહ્યુ હતુ્ કે, વિશ્વમાં ડંકો વગાડીને સબળ નેતૃત્વની ઝાંખી કરાવીને ભારતને વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કર્યુ છે. દેશના લોકલાડીલા વડાપ્રધાને “એક રાષ્ટ્ર એક ધ્વજની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાનું કામ કર્યુ છે. જેની ઝાંખી તરીકે કાશ્મીરમાં ફરકતો આપણો રાષ્ટ્રધ્વજ છે.
આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સૌના સાથ,સૌનો વિશ્વાસથી સૌનો વિકાસ”ની સૂત્રને અમલમાં મૂકીને જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના मेरा देश आगे बढ़ रहा है।, मेरा देश विकसित હો रहा — है। ના સૂત્રને સાચા અર્થમાં અમલમાં મૂકીને જિલ્લાના વહીવટી તંત્રના યોજનાકીય લાભોથી નગરજનોને તૃપ્તિના કાર્યોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મૃદુ તથા મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજાકીય કાર્યો અને તેમની ફરિયાદ સાંભળી સુશાસનને નવો આયામ આપવા માત્ર વોટસએપ માધ્યમ થકી જ ફરિયાદ નિકાલની નવી શરૂઆતને ગુજરાતી જનતાએ આવકારી હતી. તેમ પણ તેમણે ઉમેર્યું હતુ્ં.
આ ઉપરાંત મંત્રીએ ગુજરાતના આવનારા બજેટની વાત કરતાં ઉમેર્યું હતું કે, પછાત વર્ગ માટે “છ પાયાની સુવિધા યોજના” અંર્તગત છેવાડાના લોકોને આવાસ પૂરી પાડવાની બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાને ઔધોગિક ક્ષેત્રે ભારત અને વિશ્વના નકશા ઉપર ઉજાગર કર્યો છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઉપસ્થિત લોકોને જણાવી હતી. નવા બજેટમાં ગુજરાતની એક પણ શાળાનું મકાન હવે નળિયાવાળું નહી રહે અને આધુનિક સુવિધાથી સુસજજ બનાવવામાં આવનાર છે. તેમ પણ ઉમેર્યુ હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી દ્વારા પોલીસ પ્લાટુન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકિય જાગૃત્તિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો રસપૂર્વક નિહાળ્યા હતા.
ભરૂચ જિલ્લાની વહીવટી પાંખના વડાની, ત્રિવેણી સંગમ સમાન “વિકાસની ત્રિપૂટી” ની કાર્યશૈલિને બિરદાવી હતી. તથા જિલ્લાની વહીવટીતંત્રની My LIVEBAL BHARUCH‘ની પહેલ થકી ભરૂચની પ્રગતિને નવા આયામો મળશે. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, સ્વતંત્રતાની જાગૃત્તિ, ટ્રાફિક અવેરનેશ જેવી વિવિધ થીમો આધારીત સાસ્કૃતિક કાર્યક્રમો નિહાળયા હતા. આ તકે, પ્રથમ શ્રેષ્ઠ પ્લાટુન, ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઈનામ આપવામાં આવ્યું હતું. વધુમાં મંત્રીના હસ્તે ભરૂચ તાલુકાના વિકાસ માટે કલેકટરને રૂ.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે એનાયત કરવામાં આવ્યો હતો.
૭૪ માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના પ્રતિષ્ડિત કલાકારો, રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્યો સર્વે અરૂણસિંહ એ રણા, ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, રિતેશ વસાવા, નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય આગેવાન પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.