ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા ઉત્તરાયણ પર્વે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી.
વાહન ચાલકો પતંગના દોરા અને અકસ્માતથી બચી શકે તે માટે શહેરમાં પ્રથમ વખત દિવસભર સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની લોકોને ભેટ અપાઈ હતી.
શહેરમાં 12 રૂટો ઉપર સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 1478,10 થી બપોરે 2 કલાક સુધી 1907 અને બપોરે 2 થી સાંજે છ વાગ્યા સુધી 1760 શહેરીજનોએ સિટી બસમાં અવરજવર કરી હતી.
ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો.
ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારે 6 કલાકથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની સફર સાંજે 6 કલાક સુધી ચાલી હતી. મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બને છે. જેનાથી બચવા 5145 શહેરીજનોએ સિટી બસની સ્લામત મફત મુસાફરી કરી હતી.