ભરૂચ જિલ્લાના ડભાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની નહેરમાં ગત તારીખ ૧ જાન્યુઆરીના રોજ ગાબડું પડતા ભરૂચ શહેરના ૫૦ હજારથી વધુ મકાનો અને કોમર્શિયલ શોપિંગોમાં જળ સંકટની સમસ્યા ઉત્પન્ન થઇ છે, છેલ્લા ૧૦ દિવસથી નહેરનું ગાબડું પુરવામાં પણ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાના હવે આક્ષેપો થઇ રહ્યા છે.
ડભાલી નહેરમાં ગાબડું પડતા નહેરની આસપાસના ખેતરોમાં પણ તેના પાણી પ્રવેશી ગયા છે, જેને પગલે આસપાસના વિસ્તારમાં તુવેર, કપાસ, મગ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની થતા ખેડૂતોમાં પણ તંત્ર સામે રોષ ઉભો થયો છે, અને વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા રીપેરીંગ કાર્ય પણ બંધ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
તેવામાં હવે વિપક્ષના સભ્યો સમસાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા સહિતના લોકોએ સ્થળ પર દોડી જઈ મામલે સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ભરૂચ ઉપર સંભવિત જળ કટોટીની સ્થિતિ અંગેનો ચિતાર પત્રમાં રજૂ કરી તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ખેડુતોને વળતર ચૂકવવા સાથે નહેરની કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા અંગેની રજૂઆત કરી હતી.
હારુન પટેલ : ભરુચ