સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, સ્વચ્છતા એ જ સુંદરતા, સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભરૂચ આ પ્રકારના અનેક સ્લોગન આપણે ટીવીમાં કે છાપામાં અથવા કોઈ કચેરી કે ગામની દીવાલ તેમજ રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સમાં જોવા તો હશે જ, સ્વચ્છતા મિશન અંતર્ગત અનેક કેમ્પઇન પણ અવારનવાર થતા આવતા હોય છે, સરકાર આ બાબતે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરે છે, પરંતુ પરિણામ રાજ્યના એક બે શહેરોને બાદ કરતાં જોઈએ તેવું મળતું હોય તેમ લાગતું નથી જેનું મુખ્ય કારણ કદાચ ગ્રાઉન્ડ લેવલ ઉપર થતી કામગીરી અને કેટલીક જવાબદાર જનતા પણ છે.
ભરૂચ નગરપાલિકા અને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા અંગે અનેક લોક જાગૃતિના કેમ્પઇન અત્યાર સુધી ચલાવ્યા છે, તેમજ ડોર ટુ ડોરમાં લાખોની ચૂકવણી કરી શહેરી વિસ્તારોમાંથી કચરો ઉઘરાવવામાં આવતો હોય છે, તો શહેરના મુખ્ય માર્ગો અથવા માર્કેટવાળા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ મૂકી ગંદકી ન ફેલાય માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે, પરંતુ ભરૂચ નગરપાલિકાની કચરા પેટીઓની હાલત આંખે ઉડીને વળગે તેમ છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મુકવામાં આવતી કચરા પેટીઓની હાલત દયનિય સ્થિતિમાં બની છે, કચરો લેવા મુકવામાં આવેલ પેટીઓ ખુદ હવે કચરા સમાન બની હોય તેવી પેટીઓ અનેક વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે, આજ પ્રકારની એક ભંગાર બનેલ પેટીને પાલીકા તંત્ર દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં મુકવામાં આવી છે, જે તસ્વીરમાં કેદ થઇ છે.
સુપર માર્કેટના હરે કૃષ્ણ શોપિંગ સેન્ટર પાસે ભરૂચ નગરપાલિકાની અત્યાધુનિક કચરા પેટી હોય તેમ નજરે પડી હતી જેમાં ઉપરથી તમે કચરો પેટીમાં ઠાલવો તો નીચેના ભાગે પડેલા મસમોટા કાંણામાંથી એ જ કચરો બહાર રસ્તા ઉપર નીકળી આવે છે, અને સરવારે પેટી હોવા છતાં ગંદકીનું નિર્માણ થતું હોય તેમ નજરે પડી રહ્યું છે ,ત્યારે આ પ્રકારની ભંગાર અવસ્થામાં બનેલ કચરા પેટીઓ મુકવાની તંત્રને કેમ ફરજ પડી રહી છે, તે બાબત આ પ્રકારની સ્થિતિ બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભરૂચ નગરપાલિકા ખાતે શહેરીજનો લાખો કરોડોનું ટેક્સ ભરતા હોય છે, તેમ છતાં અન્ય શહેરોની સરખામણીએ ભરૂચ નગરપાલિકા પાસે જોઈએ તેવી કચરા પેટીઓ વિકસાવવામાં કેમ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે શહેરમાં મુકવામાં આવતી અર્થ વગરની આ પ્રકારની કચરા પેટીઓનું સર્વે કરી પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ અને કર્મીઓએ આ કચરા પેટીઓને રીપેરીંગ અથવા નવી કચરા પેટીઓ માટેની દરખાસ્ત કરી મુકવી જોઈએ તે અત્યંત જરૂરી જણાઈ છે, અને તો જ સ્વચ્છ ભરૂચનું સ્વપ્નું પણ ખરા અર્થમાં સાથર્ક થઇ શકે તેમ છે.
હારુન પટેલ : ભરુચ