સરદાર સરોવર નિગમની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં ડભાલી ગામ નજીક મોટું ગાબડું પડ્યું છે અને ગાબડાના કારણે ખેડૂતોના ખેતરમાં જળબંબકાની સ્થિતિ ઊભી થતા ખેડૂતોએ વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર ગજવી છે અને સાથે નગરપાલિકાએ પણ નગરજનોને અપાતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ જિલ્લામાં જળસંકટના એંધાણો વર્તાઈ રહ્યા છે.
રાજપીપળાથી વાગરા દહેજની ઔદ્યોગિક વસાહતને જોડતી સરદાર સરોવરની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની ૭૦ કિલોમીટરની કેનાલ જર્જરીત બની છે જેના પગલે ભરૂચ તાલુકાના ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોએ પણ પાલમાલ થવાનો વારો આવ્યો છે અને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જ્યારે પાક તૈયાર થયો ત્યારે જ કેનાલમાં ગાબડું પડ્યું અને સમગ્ર લાખો કરોડો રૂપિયાની ખેતીને નુકસાન થયું છે જેના પગલે ખેડૂત હોય વળતરની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. વળતર નહીં ચુકવાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી દીધી છે.
ભરૂચ નજીક ડભાલી ગામ પાસે કેનાલમાં ગાબડું પડવાના કારણે ભરૂચવાસીઓને પણ જળ સંકટ ઊભું થયું છે કારણ કે આ જ કેનાલ મારફતે અમલેશ્વરની બ્રાન્ચમાંથી ભરૂચ નગરપાલિકા પાણી પુરવઠો ભરૂચવાસીઓને પૂરું પાડતી હતી કેનાલ મારફતે પાણી માતરીયા તળાવ અને માતરીયા તળાવથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચી ભરૂચવાસીઓને પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ અમલેશ્વરની મુખ્ય કેનાલમાં જ ગાબડું પડવાના કારણે મરામત માટે સમય લાગી શકે તેવું હોવાના કારણે નગરપાલિકાએ ભરૂચવાસીઓને અપાતો પાણીના પુરવઠા ઉપર કાપ મૂક્યો છે અને માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવનાર છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થઈ શકે છે હજુ ૧૦ દિવસ જેટલો ગાબડા પૂરવાને સમય લાગે તેવી ભીતિ વચ્ચે પાણી પણ કરકસર કરીને વાપરવા માટે વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ શહેરીજનોને અપીલ કરી છે.