ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ લુવારા ગામ ખાતેના દક્ષિણ છેડે ખુલ્લા પ્લોટમાં રિલાયન્સ કંપની દ્વારા ખુલ્લા પ્લોટમાં લેબર કોલોની બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેને લઇ સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને મામલે આવેદનપત્ર પાઠવી લેબર લોકોની સામે વિરોધ વ્યકત કર્યો છે.
સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આ ખુલ્લી જગ્યા ઉપર લેબર કોલોની બનશે તો બેચલર લોકો અને બહારના લોકો આવશે જેથી ગામની બહેન-દીકરી અને બાળકોનું ભાવિ જોખમમાં મુકવાની દહેશત ગામમાં ફેલાયેલ છે, આ અગાઉના સમયમાં પણ ઘણા એવા બનાવો બની ચુક્યા છે.
વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર અને જીઆઇડીસી ની ગાઇડલાઈન મુજબ ગામથી અંદાજીત ૩૦૦ મીટર દૂર કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું જોઈએ અને પંચાયતની પરવાનગી લેવી જોઈએ, તે પણ પંચાયતમાંથી લીધેલ નથી, રિલાયન્સ કંપનીના પ્લોટમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ આવેલ છે,જે પણ કંપની દ્વારા પુરાણ કરી દેવામાં આવી છે.
આમ અનેક મુદ્દે ગ્રામજનોએ રિલાયન્સ કંપની સામે મોરચો માંડી ગામ નજીક બનવા જઈ રહેલ લેબર કોલોની સહિતની બાબતોને લઇ પોતાનો વિરોધ વ્યક્ત કરી મામલે ન્યાયની માંગ કરી છે.