ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક પરીવારે કોલ કરીને જણાવેલ કે તેમની દીકરી આત્મહત્યાના વિચારો કર્યા કરે છે. યુવતીના પરિવારે ૧૮૧ ની ટીમને યુવતીને સમજ આપવા વિનંતિ કરી હતી. ત્યારબાદ અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોચીને આ પરિવારની મુલાકાત લીધી હતી. યુવતીને સમજાવીને અસરકારક કાઉન્સિલિંગ દ્વારા તેને મનોવ્યથામાંથી બહાર અભયમ કાઢવામાં ટીમને સફળતા મળી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ આ પરણિતા તેની સાસરીમાં સારી રીતે રહેતી હતી પરતું કોઇ કારણ વગર હમેશાં વિચારોમાં અટવાયેલી રહેતી હતી. કામકાજમાં ધ્યાન રહેતું નહતું. તેને લઇને સાસરીમાં બોલાચાલી થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને આ પરિણિતાને આરામ માટે પિયર મોકલવામાં આવી હતી. પિયરમાં પણ નજીવી બાબતે તેણી આવેશમાં આવી ગયેલ, જેથી પરિવારે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ ટીમે આત્મીયતાથી વાતચીત કરીને તેણીને કોઈ તકલીફ છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણિતાને કોઈ કામ બતાવે, ખલેલ કરે કે બોલાવે તો ઉશ્કેરાઈ જાય છે તેમ જણાતા તેણીને મનગમતી પ્રવૃતિ કરવા તેમજ પ્રાર્થના, યોગ કરવા સમજાવેલ અને જીવન અમૂલ્ય છે, તેને રચનાત્મક પ્રવૃતિમાં વાળવાથી આનંદ મળી શકે અને સુખી દામ્પત્ય જીવન જીવી શકાય, એવી સમજ આપી હતી. પરિવારને પણ તેની સાથે લાગણી રાખવાં અને યોગ્ય રીતે મનોચિકિત્સકની મદદ લેવા સુચન કર્યુ હતું. પરિવારજનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ