ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ મોતનો બ્રિજ બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવો તેમજ આત્મહત્યાના બનાવોનું ચલણ સતત સામે આવી રહ્યું છે, બ્રિજ પરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની પત્ની જોડે ભરૂચ ખાતે સંબંધીને ત્યાં અંતિમ ક્રિયામાં બારમા ની વિધિમાં આવ્યા હતા જ્યાંથી મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કે પી સિંગ એ નર્મદા મૈયા બ્રિજ પર અચાનક બાઇક ઉભી રાખી દીધી હતી અને ત્યારબાદ નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું.
પત્નીની નજર સામે જ પતિએ ઝંપલાવી દેતા પત્ની દ્વારા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આ અંગે સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક નૌકા સંચાલક અને ફાયર ટીમને જાણ કરતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તો શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જોકે નર્મદા નદીમાં ઝંપલાવનાર કે.પી સિંગ એ કયા કારણોસર નર્મદા નદીમાં ઝંપલાવ્યું એ જાણી શકાયું નથી, પોલીસ વિભાગ દ્વારા હાલ કે.પી સિંગની પત્નીની પૂછપરછ હાથધરી મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી નર્મદા નદીમાં કે.પી સિંગની શોધખોળ હાથધરી હતી.
હારુન પટેલ : ભરુચ